અમદાવાદઃ શહેરમાં 33 વર્ષ બાદ આજથી ફરી એક વાર ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરનાં મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો દ્વારા આ ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી બસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. અગાઉ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પર ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી બસની શરૂઆત કરવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં આ ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી બસની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદના રસ્તા પર આજથી સાત જેટલી ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી બસ દોડશે, જેમાં 60 જેટલા લોકો બેસી શકશે. આ પહેલાં શહેરમાં 80 તેમજ 90ના દાયકામાં કેટલાક રૂટ પર ડબલ ડેકર બસો દોડતી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા સંચાલનમાં મુકવામાં આવનારી એસી ઈલેક્ટ્રિક ડબલડેકર બસના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવા નિમંત્રણ .
(1/2)#amc #amcforpeople #launch #doubledeckerbus #ahmedabad #municipalcorporation pic.twitter.com/XNbjJ9uAFB— Amdavad Municipal Corporation (@AmdavadAMC) February 2, 2024
અમદાવાદમાં શરૂ થયેલી ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસમાં USB ચાર્જ, વાઇફાઇ , રીડિંગ લાઇટ અને આરામદાયક સીટનો સમાવેશ થાય છે. આ ડબલ ડેકર બસ ચાર્જ થયા બાદ 250 કિમી ચાલશે. બસને ચાર્જ થતાં દોઢ કલાકથી ત્રણ કલાક લાગશે. હજુ ચાર દિવસ પહેલાં જ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહ દ્વારા AMTS બસનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં સાત જેટલી ડબલ ડેકર AC બસ પ્રથમ તબક્કામાં શરૂ કરવાની તેમણે જાહેરાત કરી હતી. એપ્રિલ-મહિના સુધીમાં વધુ 10થી 15 એ.સી.બસ આવી જશે.