અમદાવાદઃ શ્રીમતી જીઆર દોશી અને શ્રીમતી કે.એમ મેહતા ઇન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી) એકિડની અને તેની સાથે સંબંધિત રોગોના નિવારણ, નિદાન, પુનર્વસન અને સારવારમાં વિશેષતા ધરાવતા દેશના તૃતીય અગ્રણી તબીબી વિશેષતા કેન્દ્રએ આજે વર્લ્ડ કિડની ડે 2020ની ઉજવણી કરી હતી. આ વર્ષની થીમ, ‘દરેક જગ્યાએ દરેક માટે કિડની આરોગ્ય- કાળજી માટે તપાસથી સમાનતા સુધી નિવારણ’, જે ક્રોનિક કિડની ડિસીઝ અને નિવારણ માટેના જોખમી પરિબળોની માન્યતા પર કેન્દ્રિત છે.
કેમ્પસ ખાતે વિશ્વ કિડની દિવસ 2020ની ઉજવણીની સાથે આઇકેડીઆરસીએ જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું હતુ. કિડની રોગએ નોન-કમ્યુનિકેબલ ડિસીઝ (એનસીડી) છે અને હાલમાં તે વિશ્વભરના આશરે 850 મિલિયન લોકોને અસર કરે છે. દસ પુખ્ત વયના લોકો પૈકી એકને ક્રોનિક કિડની ડિસીઝ (સીકેડી) હોય છે.
ક્રોનિક કિડની ડિસીઝ થવા પાછળ હાયપરટેન્શન, ડાયાબિટીસ, સ્થૂળતા, ધુમ્રપાન અને દર્દ નિવારક દવાઓનો વધુ પડતો ઉપયોગ મુખ્ય કારણો છે. પુખ્ય વયની 8થી 10% વસ્તી કિડની ક્ષતિના કેટલાંક રૂપ ધરાવે છે અને દર વર્ષે ક્રોનિક કિડની ડિસીઝ (સીકેડી) સંબંધિત જટિલતાઓથી લાખો લોકો અકાળે મૃત્યુ પામે છે.
આ પ્રસંગે આઇકેડીઆરસી-આઇટીએસના ડિરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું, “ક્રોનિક કિડની ડિસીઝ(સીકેડી)થી પ્રભાવિત લોકોની સંખ્યા વધી રહી છે. ગંભીર સીકેડી ધરાવતા ઘણા લોકો માટે કિડની પ્રત્યારોપણને સૌથી સારી સારવાર માનવામાં આવે છે, કારણ કે તે જીવનની ગુણવત્તા પ્રદાન કરે છે. જોકે, દાન માટે ઉપલબ્ધ અંગોની અછત છે. અનેક લોકો જેઓને કિડની પ્રત્યારોપણની જરૂરિયાત હોય છે, તેઓને પ્રત્યારોપણ પ્રતિક્ષા યાદીમાં મૂકવામાં આવે છે અને જ્યાં સુધી કોઇ અંગ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી ડાયાલિસીસ કરાવવું પડે છે.”
તેઓએ વધુમાં જણાવ્યું, “અમે નિરીક્ષણ કર્યું છે કે સ્ત્રીઓ માટે કેડેવર અને જીવંત દાતાઓની તીવ્ર અછત છે. મહિલાઓની સરખામણીમાં પુરૂષો માટે જીવંત દાતાઓ કિડની દાન માટે આગળ આવે છે કારણ કે સમાજ માને છે કે મહિલાઓ કરતા પુરૂષમાં પ્રત્યારોપણ કરાવવું જોઇએ કારણ કે તે પરિવાર માટે જીવાદોરી સમાન છે.”
ડૉ. મિશ્રાએ જણાવ્યું કે આઇકેડીઆરસી દ્વારા 2019માં 390 કિડની ટ્રાન્સપ્લાન્ટ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં 318 પુરૂષો અને 72 મહિલાઓ હતી. કુલ 87 કેડેવર ટ્રાન્સપ્લાન્ટ હતા, જેમાં 63 પુરૂષો અને 24 મહિલાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, કુલ 303 જીવંત કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા હતા, જેમાં 255 પુરૂષો અને 48 મહિલાઓનો સમાવેશ થાય છે. આઇકેડીઆરસીએ દાતાઓની સંખ્યા વધારવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે અને લોકોને કિડનીની બિમારી અને બચાવના ઉપાયો વિશે જાગૃત કરવા માટે વિવિધ પગલા ઉઠાવ્યા છે.