અમદાવાદ- 23 એપ્રિલે ગુજરાત મતદાન કરવા જઈ રહ્યું છે. આ દિવસે ગુજરાતની તમામ 26 બેઠક પર એકસાથે એક જ તબક્કામાં મતદાન થશે. બધા મતદાન મથકો પર મતદારો લાંબી કતારમાં ઉભી રહીને મતદાન કરવા માટે રાહ જોતા જોવા મળશે, પણ જામનગર જિલ્લાના ધ્રાફા ગામનું આ મતદાન મથક આ બધાથી અલગ પડતુ હશે. કેમકે, અહીં ફક્ત મહિલાઓ જ મતદાન કરતી જોવા મળશે.
પૂરબહારમાં ખીલેલી ચૂંટણીની આ ઋતુમાં નાગરિકો વધુ ને વધુ સંખ્યામાં મતદાન કરે એ માટે ઘણા સ્તરે પ્રયત્નો ચાલતા હોય છે. સરકાર ઉપરાંત સંસ્થા-સંગઠનો, સામાજિક કાર્યકરો પણ આસપાસ સતત લોકોને પ્રેરિત કરવા મથતા હોય છે કે તમને મળેલા મતાધિકારનો ઉપયોગ કરો, પણ એમાં મતદાન કરવા માટે કોઈ સામે શરત મૂકે તો? આજે તો ભાગ્યે જ એવી શરતો કોઈ સાંભળે, પણ સ્વતંત્રતાની પહેલી ચૂંટણીમાં એવું બન્યું હતું. ગુજરાતના જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલા ધ્રાફા ગામ એક આગવી પ્રથાને લીધે જાણીતું છે.
આશરે 3000ની વસતી ધરાવતા આ ગામમાં આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી મહિલાઓ માટે અલગથી મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવે છે. આ પ્રથા શરૂ થવા પાછળનું કારણ એટલું છે કે પરંપરાગત રીતે મર્યાદામાં જાળવવા ઈચ્છતી, પુરુષો સામે માથે ઓઢીને આવતી કે સંકોચ અનુભવતી મહિલાઓ પણ એમના મતાધિકારનો ઉપયોગ કરી શકે! અલબત્ત, વાયકા પ્રમાણે સ્વતંત્ર ભારતની પહેલી ચૂંટણી વખતે જ ગામના આગેવાનોએ વ્યવસ્થાપકોને કહ્યું હતું કે અમારા ગામની મહિલાઓ પણ મતદાન કરશે, પરંતુ તમારે એમના માટે મત આપી શકવાની પુરુષોથી જુદી હોય એવી વ્યવસ્થા કરવી પડશે. આ માગણીના ભાગરૂપે પ્રથા શરૂ થઈ અને આજ સુધી એ જળવાયેલી છે. આજે પણ ગામની મહિલાઓ માટે ગામની કન્યા શાળામાં મતદાન કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવશે.
જામનગર જિલ્લાના નાયબ ચૂંટણી કમિશનર મિતાબેન જોશીએ chitralekha.com સાથે વાતચિત કરતા જણાવ્યું કે, સ્ત્રી-પુરષ માટે મથકો જુદા કરવા કે ન કરવાની કોઈ માગ નથી, પણ અહીંના વિસ્તારની જરૂરત પ્રમાણે જે રીતે થતું આવ્યું છે એ રીતે કરતા આવીએ છીએ. આ વિસ્તાર હજી જૂનવાણી પ્રથાઓમાં વધારે માનતો હોવાથી મતદાનમાં પણ જે પ્રથા ચાલતી આવી છે એ પ્રથા ચાલે છે, આમાં ચૂંટણી પંચ કે તંત્ર તરફથી કોઈ સત્તાવાર આદેશ નથી કે આમ જ કરવું કે આમ ન કરવું. હા, આ બાબતે કોઈ સત્તાવાર આદેશ આવે તો એનું પાલન કરવું રહે. અત્યારે તો આ સ્થાનિક પરંપરા પ્રમાણે ચાલી આવતી બાબત છે.
અહેવાલ: પરેશ ચૌહાણ