ચાંગા: ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પેરામેડિકલ સાયન્સ (BDIPS)ના ઓપ્ટોમેટ્રી વિભાગે તાજેતરમાં ચેન્નઈમાં આયોજિત નેશનલ લેવલના સાયન્ટીફીક સેશનમાં ભાગ લઇ ઝળહળતો પ્રશંસનીય દેખાવ કરી કોલેજનું નામ રોશન કર્યું હતું.
ચેન્નઈના શંકરા નેત્રાલયમાં આયોજિત 22 માં ડો.ઈ.વૈથીલિંગમ મેમોરિયલ સાયન્ટીફીક સેશનમાં ભાગ લેનારા ડેલિગેટ્સમાં ઓપ્ટોમેટ્રી વિભાગના બે ફેકલ્ટી સભ્યો અને એક વિદ્યાર્થીનીનો સમાવેશ થતો હતો. ઓપ્ટોમેટ્રી વિભાગમાં આસીસ્ટન્ટ પ્રોફેસર દેવાંશી દલાલ, ઓપ્ટોમેટ્રીમાં ક્લિનિકલ ઇન્સ્ટ્રક્ટર નીતા મકવાણા અને ઓપ્ટોમેટ્રીના અંતિમ વર્ષની વિદ્યાર્થિની ખદીજા અસગરભાઈ દુધિયાવાલાએ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. દેવાંશી દલાલે તેમનું રીસર્ચ ‘Cyclodamia In Differential Diagnosis Of Binocular Vision Anomalies’ વિષય પર રજૂ કર્યું હતું. ખદીજા દુધિયાવાલાને પોસ્ટર પ્રેઝન્ટેશન માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ સેશનમાં વિદ્યાર્થીની ખદીજા દુધિયાવાલાએ પ્રશંસનીય પ્રદર્શન અને પોસ્ટર પ્રેઝન્ટેશન કર્યું હતું. જેનો વિષય ‘Beyond Braille: Exploring The Potential Of Virtual Reality In Education For Corneal Anaesthesia Syndrome – A Case Study’ હતો. પોસ્ટર પ્રેઝન્ટેશન ઇવેલ્યુએશનના આધારે ખદીજા દુધિયાવાલને એસિલોર ટ્રાવેલ ગ્રાન્ટ એવોર્ડ (Essilor Travel Grant Award) પ્રાપ્ત થયો હતો. તેમનું યોગદાન અને માન્યતા ઓપ્ટોમેટ્રીમાં તેમના જ્ઞાન અને શ્રેષ્ઠતાને આગળ વધારવાની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે તેમજ શૈક્ષણિક આદાનપ્રદાન અને વ્યવસાયિક વૃદ્ધિ માટેના પ્લેટફોર્મને પ્રોત્સાહન આપે છે.
આ સેશનમાં નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલા વિવિધ લેક્ચર્સમાં માયોપિયાના વિકાસ, પ્રગતિ અને વ્યવસ્થાપન, ઓપ્ટોમેટ્રીના 100 વર્ષની ઉજવણી, વૃદ્ધાવસ્થાની સંભાળનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને પરંપરાગત ઓપ્ટોમેટ્રી પ્રેક્ટિસની બહાર જઈને ઓપ્ટોમેટ્રિસ્ટની ભજવવાની ભૂમિકાની શોધ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ સેશનમાં ઓપ્ટોમેટ્રી અને આંખની સંભાળના વિવિધ પાસાઓ વિશે નોંધપાત્ર માહિતી દર્શાવવામાં આવી હતી.