કોવિડ હોસ્પિટલમાં એક લટારઃ ડેઝિગ્નેટેડ હોસ્પિટલનો ડેડીકેટેડ સ્ટાફ

અમદાવાદઃ અમારે તો સગું શું…? અને વહાલું કોણ..? જે ગણો એ આ સ્ટાફ જ છે.. સિવિલ હોસ્પિટલના પરિસરમાં કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી એક દર્દીના આ શબ્દો ઘણું બધું કહી જાય છે…

કોઈના બાળકો નાના છે, તો કોઈના પરિવારમાં તકલીફ છે, પણ સેવા જ તેમનો ધર્મ છે, કદાચ આ જ અભિગમને પગલે દર્દીઓ એમ માને છે કે આ જ અમારાં સગાંવહાલા છે.

આ વોર્ડમાં ફરજ બજાવતા મુક્તિ પટેલ કહે છે કે, આ દર્દીઓની દવા-સારવારની સાથે સાથે ભોજન, પાણી અને અન્ય કોઈ જરૂરિયાત હોય તો તેનું અમે ધ્યાન રાખીએ છીએ. એટલે જ દર્દીઓ એમ માને છે કે અમે તેમનાં સગાં છીએ અને અમે પણ એવું માનીએ છીએ કે આ દર્દીઓ જ અમારાં વ્હાલા છે.

નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતા પ્રવીણ પારેખ કહે છે કે ‘આ દર્દીઓની તમામ જરૂરીયાતો અમે નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરીએ છીએ. એમાં ક્યાંય કોઇ કચાશ ન રહી જાય તેનું પણ ધ્યાન રાખીએ છીએ. તેમના સગાંવ્હાલા તો અહીંયા પ્રવેશ નથી મેળવી શકતા. એ લોકો આ પરિસરમાં બનાવાયેલા ડોમમાં બેસે છે પરંતુ દર્દીઓના સગાંવ્હાલાની જેમ જ અમે ફરજ બજાવીએ છીએ.

અહીં સારવાર લઈ રહેલા રૂદ્રેશભાઈ કહે છે કે કોઈ બીમારીમાં હોસ્પિટલમાં રહેવું કોઈને ન ગમે પરંતુ અહીં દાખલ થયા પછી એવું લાગે છે કે કદાચ ઘરે પણ અમારી આટલી સંભાળ ન લેવાઇ હોત. સવારે ઉકાળો, પછી ચા-નાસ્તો, જમવાનું, બપોરે ચા, સાંજે ફળો, જમવાનું અને રાત્રે સૂતાં પહેલા ગરમ દૂધ. આ વ્યવસ્થા અહીં તમામ દર્દીઓ માટે છે. એટલે સાચું કહું તો પરિવારની ખોટ તો લાગે જ છે પરંતુ આ વ્યવસ્થાથી એ કમી મહેસુસ નથી થતી.

કોવિડ-૧૯ વાયરસની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધું છે. આ રોગને નાથવા રાજ્ય પ્રશાસન સતત કાર્યરત છે. અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે. આ દર્દીઓની સેવામાં ત્રણ પાળીમાં અંદાજે ૧૧૨૫ યોધ્ધાઓ 24 કલાક ખડેપગે અને અવિરત સેવા બજાવે છે.
અહીં સેવા બજાવતા તબીબો પેરામેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ સાચા અર્થમાં અત્યંત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જે દર્દીઓ દાખલ થયા હોય ત્યાં દર્દીના કોઈ પણ સગાને ચેપ ન લાગે એટલે સલામતી માટે વોર્ડમાં પ્રવેશ અપાતો નથી. કોઈ ખાસ કિસ્સામાં જરૂર હોય કે દર્દીની લાગણી અને માંગણી હોય કે દર્દી વેન્ટીલેટર પર હોય કે પ્રોસીજર જરૂરી હોય તેવા કિસ્સામાં એક સગાને રક્ષાત્મક સાધનો સાથે જવાની મંજૂરી અપાય છે.

અહીં ફરજ બજાવતા આ યોધ્ધાઓ, નથી તેમના ઘરની ચિંતા કરતા કે નથી તેમના પરિવારની ચિંતા કરતા. એમને મન તો બસ કોરોના દર્દીઓની સેવા જ મૂળ મંત્ર છે.

સલામ છે આવા ધ્યેય નિષ્ઠ કર્મીઓને…
સલામ છે તેમના ધ્યેય, ધૈર્ય અને સંવેદનાના ધબકાર ને…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]