મિનિએચર પતંગ ફિરકીથી મંદિરોની સજાવટ

ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ ધર્મ સંપ્રદાય કે પ્રાંત જ્યારે તહેવાર કે ઉત્સવ ઉજવે એટલે હજારો પરિવારને રોજગારીનો અવસર મળે. વર્ષની શરૂઆતમાં જ આવતા ઉતરાયણની આખાય દેશમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે.

ધર્મ પ્રેમી ગુજરાત ઉતરાયણ પર્વમાં પતંગોત્સવની સાથે દાન પુણ્ય પણ કરે છે. સૌથી મહત્વની બાબત એ ધ્યાન પર આવી કે છેલ્લા કેટલાક વર્ષોથી ભગવાનના દેવસ્થાનો,  મંદિરો અને મૂર્તિઓની આસપાસ દરેક તહેવાર ઉત્સવમાં ભવ્ય સજાવટ કરવામાં આવે છે.

આ વર્ષે પણ મંદિરો અને ભગવાનની મૂર્તિઓની આજુબાજુમાં નાનાં મોટા પતંગ ફિરકીથી સજાવવામાં આવ્યા છે. લાલજી જે જગ્યાઓ પર બિરાજમાન હોય ત્યાં એકદમ નાના પતંગ ફિરકી મુકવામાં આવ્યા છે. આ વર્ષે પતંગ બજારમાં એક ઈંચની સાઈઝના પતંગમાં પણ અસંખ્ય વૈવિધ્ય અને ડિઝાઈન જોવા મળે છે.

શહેરમાં પતંગનું મુખ્ય બજાર કહેવાતા કાલુપુર ટંકશાળમાં ત્રીસ વર્ષથી એકદમ નાના પતંગ ફિરકી વેચતા પરેશભાઈ ચિત્રલેખા.કોમને કહે છે હું આખુંય વર્ષ પાનનો ગલ્લો ચલાવું છું. છેલ્લા ત્રીસેક વર્ષથી ઉતરાયણ પહેલાં એકદમ નાની સાઈઝના પતંગ ફિરકીનું વેચાણ કરું છું.

થોડા વર્ષોથી લડ્ડુ ગોપાલ માટે અને ભગવાનની મૂર્તિઓની આસપાસ શણગાર માટે એકદમ નાના પતંગ ફિરકી લઈ જવાનો ભક્તોમાં ઉત્સાહ વધ્યો છે. હવે શણગાર માટે કાગળની સાથે મેટલમાં પણ મિનિએચર પતંગ ફિરકી ઉપલબ્ધ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)