અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસે માથુ ઉચક્યું છે. અમદાવાદ રાજ્યમાં સૌથી મોખરે છે કે જ્યાં સૌથી વધારે કેસો કોરોના વાયરસ પોઝિટીવ છે ત્યારે જિલ્લામાં આજથી કોવિડ-૧૯ મોબાઈલ ટેસ્ટીંગ વાનનો પ્રારંભ કરાયો છે. અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે ઈ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ આ વાનને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે ફાસ્ટ ટેસ્ટીંગ, આઈસોલેશન સુવિધા અને ઝડપી ટેસ્ટીંગના પગલે ઝડપી સારવાર એમ ત્રિવિધ સુવિધાઓ સાથે આ ટેસ્ટીંગ વાન અમદાવાદ જિલ્લાની કોરોના સામેની લડાઈ માટે આગવું હથિયાર પુરવાર થશે.સમગ્ર રાજ્યમાં આ પ્રકારની સુવિધા સર્વ પ્રથમ અમદાવાદ જિલ્લામાં શરૂ થઈ છે.
આ વાન આરોગ્યની ટીમની ભલામણના આધારે તમામ તાલુકા મથકે અને ગામડાઓમાં મોકલવામાં આવશે. તાલુકા આરોગ્યની ટીમ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ વાનમાં એકત્ર કરશે. જિલ્લાના લોકોને ટેસ્ટ કરાવવા જિલ્લા મથકે નહી જવું પડે અને તેને પગલે શહેરના કોઈ દર્દીના ચેપ લાગવામાંથી પણ તેઓ મુક્ત રહી શકશે. જરૂરિયાત હશે તો આ ટેસ્ટીંગ વાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, નગરપાલિકા મથકે અને ગામડાઓમાં જ્યાં પણ આરોગ્યની ટીમ હશે ત્યાં જશે. આ વાનમાં બે બેઠક છે તેથી એક સાથે બે દર્દીઓઅના સેમ્પલ લઈ શકાશે એટલું જ નહી આરોગ્ય કર્મીઓની સલામતીને ધ્યાને લઈને આ કર્મીઓ સલામત અંતર રાખીને કોઈ પણ દર્દીનું સેમ્પલ લઈ શકશે તેવી સુવિધા છે.
