મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૈજન્ય મુલાકાત ભારત સ્થિત બ્રિટીશ હાઈ કમિશનર લિન્ડી કેમેરોને ગાંધીનગરમાં લીધી હતી. બ્રિટીશ હાઈ કમિશનર તરીકેનો ભારતમાં પદભાર સંભાળ્યા પછી તેમની ગુજરાતની આ પ્રથમ મુલાકાતમાં મુખ્યમંત્રીએ તેમને ઉષ્માસભર આવકાર આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની સાથેની વાતચીતમાં કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત-બ્રિટનના પરસ્પર સંબંધોનો સેતુ સુદ્રઢ બની રહ્યો છે તેને વધુ આગળ ધપાવવામાં ગુજરાત પણ પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ સૌને સાથે લઈને ચાલવાની નીતિરીતી સાથે સૌના સાથ સૌના વિકાસનો મંત્ર સાકાર કર્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બ્રિટિશ હાઇ કમિશનર સાથેની વાતચીતમાં ગુજરાત રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં અગ્રેસર રાજ્ય છે, કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ એનર્જી પાર્ક નિર્માણ આધીન છે, એટલું જ નહીં ગ્રીન હાઈડ્રોજન જેવા ઉભરતા ક્ષેત્રમાં પણ ગુજરાતની ગ્લોબલ પ્રેઝન્સ થઇ છે. રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં બ્રિટન સાથે મળીને આગળ વધવાની તત્પરતા આ સંદર્ભમાં લિન્ડી કેમેરોને વ્યક્ત કરી હતી. તેમણે મુખ્યમંત્રી ને જણાવ્યું કે બ્રિટનમાં ઇન્ડિયન ડાયસ્પોરા અને ગુજરાતી સમુદાયોની સંખ્યા અને ત્યાના વેપાર ઉદ્યોગ જગતમાં તેમનુ નોંધપાત્ર યોગદાન છે.
બ્રિટીશ હાઈ કમિશનરએ ગુજરાતના ઉદ્યોગ રોકાણકારો જે બ્રિટનમાં રોકાણ માટે આવે તો તેમને આવકારવાની અને સહયોગની ઉત્સુક્તા દર્શાવી હતી. ગુજરાતમાં કાર્યરત બ્રિટીશ ઉદ્યોગ સાહસોને રાજ્ય સરકારના મળી રહેલા સહકાર અંગે તેમણે મુખ્યમંત્રી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બ્રિટીશ ઉદ્યોગોને રાજ્યમાં ઉદ્યોગ સ્થાપના સહિતની જરૂરી સુવિધાઓ માટે રાજ્ય સરકાર પૂરતો સહયોગ આપશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં બ્રિટિશ હાઇ કમિશનરએ ગુજરાતમાં સાયબર સિક્યુરિટીની બ્રિટનની તજજ્ઞતાનો લાભ આપ્યો તેમજ NFSU સાથે આ સંદર્ભમાં કોલાબોરેશન પણ તેમણે કર્યું છે તેની વિસ્તૃત વિગતો આપી હતી. આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ, ઉદ્યોગના અગ્ર સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે તેમજ ઇન્ડેક્સ બીના એમ.ડી.ગૌરાંગ મકવાણા પણ જોડાયા હતા.