સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં ગોલ્ડ સ્કીમના નામે લોકો સાથે કરોડો રુપિયાની છેતરપિંડી કરનારા એક દંપતીને પોલીસે ઝડપી પાડ્યા છે. આ દંપતી 2.10 કરોડની રકમ સ્કીમના નામે લઈને ફરાર થઈ ગયા હતા. આ બંન્ને ઠગબાજોએ થોડા સમય પહેલા શહેરના પેલેડીયમ મોલ ખાતે ઓફિસ ભાડે રાખીને તેમાં ગોલ્ડ તેમજ વિદેશી કરન્સીનો ધંધો શરુ કર્યો હતો.
આ વ્યક્તિએ અલગ-અલગ લોકો પાસેથી પૈસા લઈને તેઓને ચેક તેમજ પ્રોમીશરી નોટ આપીને પૈસા પોતાની પત્નિ અને માતાના ખાતામાં ટ્રાંસફર કરાવી લીધા હતા. આ છેતરપિંડીમાં બંન્ને દંપતીઓ લોકોને ફોન કરીને અને તેમને વિશ્વાસમાં લઈને ગોલ્ડમાં નાણા રોકવા અને વિદેશી કરન્સી પ્રાપ્ત કરવા માટે લલચાવતા હતા. આ રીતે એક બાદ એક એમ અનેક લોકો સાથે આ દંપતીએ છેતરપીંડિ આચરી હતી અને આખરે જ્યારે ગુનો નોંધાયો ત્યારે તેઓ સુરતથી ભાગી ગયા હતા અને રાજકોટ આવી રહેવા લાગ્યા હતા.
આ દંપતીએ લોકોને ગોલ્ડ લોનમાં રોકાણ કરી દોઢ ગણો લાભ અપાવવાની લાલચ આપી અંદાજે રૂપિયા 2.10 કરોડ એકઠા કરીને યોગીચોકની ઓફિસના પાટિયા પાડી દીધા હતા. ઓફિસ બંધ કરીને દંપતિ ભાગી છૂટતા ગોલ્ડ લોનમાં રોકાણ કરનારા લોકોને છેતરાયા હોવાનો અહેસાસ થતાં સરથાણા પોલીસ મથકે ધસી ગયા હતા. છેવટે રજની લાખાણી તથા જલ્પાબહેન લાખાણી સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે બંટી બબલીને શોધી કાઢી તેમને જેલ ભેગા કર્યા હતા.