અમદાવાદઃ નાના હોય કે મોટા, ધંધાધાપામાં ઘરાકીનું જ વધુ મહત્ત્વ હોય છે. હાલમાં ચોમાસાની સીઝન છે. એક તો ખૂબ રાહ જોવડાવીને મેઘો વરસ્યો એટલે લોકોને પણ મેઘરાજાની સવારી સાથે આવતી અમુક સમસ્યાઓ સામે વધુ ફરિયાદનું મન નહોતું. પણ છેવટે ભારે વરસાદ હોય એટલે અવરજવરમાં છત્રીઓ અને રેઇનકોટનો સહારો લેવો પડે.ત્યારે સીઝનલ વેપારીઓને આના વેપારમાં પણ આ વરસે જુદો જ અનુભવ થઈ રહ્યો છે. થોડા દિવસ પાછા ઠેલાયેલા વરસાદ પછી છત્રી, રેઇનકોટની ખરીદી કે વરસાદથી બચવા માટેની જૂની સામગ્રી કાઢવાની ઘણાંએ દરકાર કરી નહીં.
પણ હવે વરસાદી માહોલ જામતાંની સાથે જ પાણીથી પ્રભાવિત ના થવાય એના માટે છત્રીઓ અને રેઇનકોટ નીકળવા માંડ્યાં.અમદાવાદ શહેરના દરેક વિસ્તારની ફૂટપાથો જ્યાં જગ્યા મળે ત્યાં ફેરિયા, ખૂમચાવાળાઓ રંગબેરંગી છત્રીઓનું વેચાણ કરતા જોવા મળી રહ્યાં છે. કાકાની કાળી છત્રથી માંડી, રેઇનબો વાળી તેમ જ વિવિધ રંગબેરંગી ભાતવાળી છત્રીઓ અંદાજે 80-100 થી માંડી 200-250 રુપિયામાં મળી રહી છે.
બાળકો માટે કાર્ટુનના વિવિધ કેરેક્ટર સાથેની નાની વિવિધ આકારની છત્રીઓ પણ મળી રહી છે. મહિલાઓ માટે પણ ડિઝાઇનર છત્રીઓ અલાયદી જોવા મળી રહી છે. આ સાથે રેઇનકોટની પણ મોટી શ્રેણી બજારમાં આવી ગઇ છે. રોજ કમાઇ રોજ ખાતાં, સિઝનલ ચીજવસ્તુઓનો વેપારધંધો કરતાં લોકોએ છત્રીઓ અને રેઇનકોટની જથ્થાબંધ ખરીદી કરી માર્ગો પર મુકી તો દીધી છે.
પરંતુ ખરીદ કરનારા ગ્રાહકો મળતાં નથી, વેપારીઓને આ વર્ષે સખત મંદીના એંધાણ દેખાઇ રહ્યાં છે. માલનો ઉપાડ થતો જ નથી, કેટલાકને તો બોણીના પણ ફાંફા છે. આના પરથી કહી શકાય…કે હાલ આ ચોમાસે છત્રી-રેઇનકોટે વેપારીઓને નવરાવ્યાં….!!
(તસવીરઃ અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ)