અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસને લઈને દિવસેને દિવસે સ્થિતિ બગડતી જઈ રહી છે. ગુજરાતમાં રોજે-રોજ નવા કેસો સામે આવી રહ્યા છે જેને લઈને ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 56 જેટલા વધુ નવા કેસો નોંધાયા છે. આ નવા 56 કેસો પૈકી 42 કેસો અમદાવાદના છે. 2 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોનાની ભયંકર સ્થિતિને ધ્યાનમાં રાખતા અમદાવાદના કોટ વિસ્તારમાં સરકાર દ્વારા કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. અને અમદાવાદના કોટ વિસ્તારમાં જ સૌથી વધુ કેસો નોંધાયા હોવાની વિગતો પણ સામે આવી છે. અમદાવાદમાં અત્યારસુધીમાં કુલ 404 જેટલા કોરોના વાયરસના કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સ્થિતિની વાત કરીએ તો વેન્ટીલેટર પર 8 દર્દીઓ છે, અને 598 દર્દીઓ સ્ટેબલ છે. આ સાથે હોસ્પિટલમાંથી 59 લોકોને ડીસ્ચાર્જ કરાયા છે અને 30 લોકોના મૃત્યું થયા છે. અમદાવાદમાં આજે 42 નવા કેસો સામે આવ્યા છે. જેમાં 24 પુરુષ અને 18 મહિલાઓનો સમાવેશ થાય છે. સુરતમાં નવા 6 કેસમાં 5 પુરુષો અને 1 મહિલાનો સમાવેશ થાય છે. વડોદરામાં નવા 3 કેસોમાં 3 પુરુષોનો છે, જ્યારે બોટાદમાં એક, પંચમહાલમાં ત્રણ અને ખેડામાં 1 નવો કેસ સામે આવ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં લેબોરેટરીમાં ટેસ્ટ કરાયા તેની વાત કરીએ તો, 2354 ટેસ્ટ કરાયા છે, તેમાં 2268 લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. બોટાદ શહેરમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે. જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઇ ગઈ છે. 80 વર્ષના વૃદ્વને કોરોના થયો છે. જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે.
આણંદના ખંભાતમાં કોરોનાના વધુ 7 લોકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. અલિંગ વિસ્તારના એક સાથે 7 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રે કામગીરી હાથધરી છે. આજે ત્રણ બાળકો સહિત 7 લોકોના રિપોર્ટ પોઝિટવ આવ્યા. હાલમાં તમામ દર્દીઓની જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
દાહોદમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ગરબાડાના ભીલવા ગામના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઘરના 12 સભ્યોને ક્વોરોન્ટાઈન કરાય છે. દર્દીના સંપર્કમાં આવેલા 6 લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. ત્યારે હવે તંત્ર દ્વારા 6 વિસ્તારોમાં પણ તપાસ હાથધરાઈ છે. આજે એક કેસ નોંધાતા દાહોદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા 3એ પહોંચી છે.