અમદાવાદનાં સેન્ટરોમાં પોલીસ જવાનોનાં કોરોના ટેસ્ટિંગ કરાયાં

અમદાવાદઃ શહેરમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગમાં કામ કરતા કર્મચારીઓનાં 16 જેટલાં સ્થળોએ ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. એક તરફ અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બીજી તરફ કોરોનાના નવા કેસ સતત વધતા જાય છે. દિવાળી જેવા તહેવાર, ઉત્સવો અને ઋતુમાં ફેરફારને કારણે  સંક્રમણ વધતાં અમદાવાદ જેવા મોટા શહેરમાં રાત્રિ દરમિયાન સંચારબંધી લાદી દેવામાં આવી છે.

કોરોનાએ જ્યારનો પગપેસારો કર્યો અને લોકડાઉન શરૂ થયું. ક્યાંક કરફ્યુ પણ લાદવામાં આવ્યા ત્યારથી માર્ગો પર ઊભા રહી તમામ પ્રકારની કામગીરીમાં પોલીસ વિભાગ ખડેપગે ઊભો રહ્યો છે. ઘણા પોલીસ કર્મચારીઓ સંક્રમિત પણ થયા, પણ પોલીસ વિભાગનું કામ માસ્ક વહેંચવાથી માંડી, ભૂખ્યા ને ભોજન પહોંચાડવા, પરપ્રાંતીય શ્રમિકોને ઘેર મોકલવા જેવી અનેક કામગીરીમાં અવ્વલ રહ્યો છે. ફરી એક વાર પોલીસ કર્મચારીઓ સંક્રમિત છે કે નહીં એ ટેસ્ટિંગ કરવા સેન્ટરો ખોલવામાં આવ્યાં.

સંનિષ્ઠ પોલીસ જવાનોનો જોશ વધારવા અને ખબરઅંતર પૂછવા શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરીએ જે સ્થળોએ કોરોના ટેસ્ટિંગ થયું, એ સ્થળોની મુલાકાત લીધી હતી.

જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરીએ કોરોના ટેસ્ટિંગ ના સ્થળે મુલાકાત લઇ ડોકટર્સ અને પોલીસ ફોર્સનું મનોબળ વધાર્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)