ભાવેણાના ચિત્રકારોનો કલા થકી કોરોના જાગૃતિ મેસેજ

ભાવનગર: સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે તેમાં ભાવનગરનો પણ રેડ ઝોનમાં સમાવેશ થયો છે ત્યારે ભાવેણાના ચિત્રકારોએ તેમની કલા થકી કોરોના જાગૃતિ મેસેજ આપવાનો નવતર પ્રયોગ કર્યો છે.

આ સમયે કલાનગરી ભાવેણાની કલાપ્રેમી પ્રજામાં આ કોરોનાથી બચવા માટે ઘરમાં રહો અને માસ્ક ફરજીયાત પહેરવાનો મેસેજ જાહેર રસ્તા પર ચિત્રના માધ્યમથી આ ચિત્રકારોએ આપવાનો પ્રયત્ન કર્યો છે.

ભાવનગર કલાસંઘના ચિત્રકારોએ શહેરના કાળાનાળા ચોકમાં ઘરમાં રહો સુરક્ષિત રહોના સૂત્ર સાથે વિશાળ ચિત્રો બનાવ્યા છે.

ચિત્રકાર અજયભાઈ ચૌહાણે ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અત્યારે બે મોટા ચિત્રો બનાવ્યા છે. આ ચિત્રો જ્યાં બનાવવામાં આવ્યા છે ત્યાં હોસ્પિટલ અને ઘણા બધા મેડિકલ સ્ટોર આવેલા છે જેથી લોકોની અવર જવર વધુ રહેતી હોવાથી અમે અહીં ચિત્ર બનાવ્યા છે. હજુ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ રીતના ચિત્રો બનાવવાનું આયોજન છે.

આ કલાગીરીમાં અજય ચૌહાણ, ડો. અશોક પટેલ, યોગેશભાઈ વેદાણી, ભરતભાઈ શિયાળ, કોમલભાઈ રાઠોડ, પ્રણવભાઈ અંધારિયા, વૈભવભાઈ ગોહિલ, ભાર્ગવભાઈ ગોહિલ તેમજ પરાગભાઈ પરમારે તેમની કલા દ્વારા શહેરના માર્ગ પર કોરોના જાગૃતિ અંગેના ચિત્રો બનાવ્યા છે.