ગાંધીનગરઃ રાજ્યની સહકારી પ્રવૃતિ થકી ગ્રામ્ય વિસ્તારનો આર્થિક કાયાકલ્પ કરી શકાય તેમ હોઈ રાજ્ય સરકારે વિશેષરૂપે સહકારી ક્ષેત્રમાં વિવિધ સહાયની કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. અને આના દ્વારા મહાત્મા ગાંધીજીના “ગ્રામ સ્વરાજ”ની કલ્પનાને સાકાર કરવા પ્રયાસ કર્યો છે.
આજે સહકાર વિભાગની રૂ.1116 કરોડની મહેસૂલી માંગણીઓના પ્રત્યુત્તરમાં ઈશ્વર સિંહે જણાવ્યુ કે, “વિના સહકાર નહીં ઉધ્ધાર”ની ઉક્તિને ચરિતાર્થ કરતી તથા આમ-જનસમાજના ઉત્કર્ષમાં સહભાગી એવી સહકારી પ્રવૃત્તિના કારણે રાજ્યની આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં આમુલ પરિવર્તન આવ્યું છે. સહકારી પ્રવૃતિ એ મૂડીવાદી અને સામ્યવાદી પ્રવૃતિની મર્યાદાઓ વિરૂધ્ધ સમાજમાં પ્રર્વતતી આર્થિક અસમાનતા દૂર કરી સૌને વિકાસની સમાન તકો પુરી પાડતી એક આદર્શ પ્રવૃતિ છે.
સહકાર પ્રધાને જણાવ્યુ કે, રાજય સરકારે ખેડૂતલક્ષી અભિગમને લક્ષમાં લઈ નાના અને સિમાંત ખેડૂત ખાતેદારો, તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂત ખાતેદારોને તથા અન્ય નબળા વર્ગના ખાતેદારોને સહકારી ધિરાણ માળખા દ્વારા સંપૂર્ણ રીતે સવલતો આ૫વામાં આવે તે માટે સતત કાળજી લેવામાં આવે છે. અને આ માળખા દ્વારા વધુમાં વધુ ખેડૂતોને કૃષિ ધિરાણ મળી રહે તેવા પૂરતાં પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. તથા એના સુંદર પરિણામો પણ પ્રાપ્ત થયાં છે. તથા પાક ધિરાણ શૂન્ય ટકા વ્યાજ દરે આપવામાં આવી રહયુ છે.
ખેડુતોને પાક ધિરાણ પર વ્યાજ રાહત આપવા સંદર્ભે સહકાર મંત્રીશ્રીએ જ્ણાવ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા સમયસર પાક ધિરાણ પરત ભરતા જગતના તાત એવા ખેડૂતોનું વ્યાજભારણ ઓછુ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. ઈશ્વર સિંહે જણાવ્યુ કે, ખેત ઉત્પાદનોનો વૈજ્ઞાનિક ઢબે સંગ્રહ થાય તથા બગાડ ન થાય અને ખેત પેદાશો સડી ન જાય તે માટે પ્રાથમિક ખેતી વિષયક સહકારી ધિરાણ મંડળી મારફતે અનાજ / ખેતપેદાશોની સંગ્રહ શક્તિમાં વધારો કરવા નવા ગોડાઉન બનાવવાની યોજના અમલમાં મૂકેલ છે. અને આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧૧૨૩ ગોડાઉન દ્વારા અંદાજિત કુલ ૨.૪૬ લાખ મેટ્રીક ટનની સંગ્રહ શક્તિ ઉભી થયેલી છે.
આધુનિક ટેકનોલોજીના સમુચિત ઉપયોગથી પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ (પેક્સ) ના કોમ્પ્યુટરાઇઝેશન તથા તેઓને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો સાથે કોર બેન્કીંગ સીસ્ટમ (CBS) થી આગામી ત્રણ વર્ષના સમયગાળામાં સાંકળવા માટેની યોજના હેઠળ રાજય સરકાર દ્રારા સને ૨૦૧૯-૨૦૨૦ના વર્ષમાં રૂ.૭૦ કરોડની જોગવાઈ સુચવવામાં આવી છે. સહકાર પ્રધાને જણાવ્યું કે, ખેડૂતો માટે, ખેડૂતો વડે અને ખેડૂતોથી કાર્યરત એવી અંતરીયાળ વિસ્તારમાં રહેતાં અને આદિજાતિ વિસ્તારમાં વસવાટ કરતાં ખેડૂતોને પોતાની ખેતપેદાશો બજાર સમિતિના મુખ્યયાર્ડમાં લાવવાના પરિવહન ખર્ચ પેટે પ્રતિટન રૂ. ૫૦૦ની સહાય ચુકવવાની આયોજન કરવામાં આવેલ છે. જેના થકી આદિજાતિ વિસ્તારના ખેડૂત મિત્રોને મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ખેડૂતોના સર્વાંગીણ આર્થિક વિકાસ બદલાવામાં નિર્ણાયક સાબિત થયેલ એવા ખાંડ ઉદ્યોગ ક્ષેત્રની બાબતે સહકાર પ્રધાને જણાવ્યું કે, રાજ્યમાં અત્યારે ૧૬ ખાંડના કારખાના કાર્યરત છે, જે પૈકી ૧૪ ખાંડના કારખાના સહકારી ધોરણે અને ૨ (બે) ખાંડના કારખાના ખાનગી ધોરણે સ્થપાયેલા છે. સહકારી ખાંડના કારખાનાઓની સ્થાપિત કુલ દૈનિક પિલાણ ક્ષમતા ૬૫,૨૫૦ છે.
પિલાણ સિઝન ૨૦૧૮-૧૯ ના વર્ષમાં ૧૦૩.૮૧ લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરી ૧૦.૮૫ ટકા રીકવરી સાથે ૧૧.૨૭ લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થયું છે. સહકારી ખાંડ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા વિવિધ યોજનાઓ અંતર્ગત ચાલુ બાબતો માટે સને ૨૦૧૯-૨૦ના વર્ષ માટે કુલ રૂ. ૧૯.૭૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેમ સહકાર પ્રધાને જણાવ્યુ હતું. આ માટે કેન્દ્ર સરકાર ધ્વારા ખાંડના ટેકાના ભાવો ૩૧૦૦/- રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે તથા ઇથેનોલ પ્લાન્ટના બાંધકામ માટે કેન્દ્ર સરકાર ધ્વારા સબસિડી આપવામાં આવી રહી છે. સાથે જ સરકાર સંચાલિત પેટ્રોલિયમ કંપનીઓ જેવી કે આઇ.ઓ.સી., એચ.પી.સી.એલ. ધ્વારા ઇથેનોલની ૧૦% માત્રા પેટ્રોલમાં ઉમેરવા પણ મંજૂરી મળેલ છે.
જે ખેડૂત સભાસદોના આર્થિક વિકાસમાં મદદરૂપ બની રહેશે. પ્રજાના આર્થિક ઉત્કર્ષમાં સહભાગી એવી નાગરિક સહકારી બેન્કો અંતર્ગત સહકાર પ્રધાને જણાવ્યુ કે, ગુજરાત રાજયમાં નાગરિક બેંકોની સંખ્યા તા.૩૧/૩/૧૯ અંતીત કુલ ૨૧૮ ની રહેવા પામી છે. સદર બેંકની કુલ થાપણ રૂ।.૬૧,૨૨૫/- કરોડ છે તેમજ રૂ।.૩૩,૧૮૫/- કરોડનું નાના વેપારીઓ, ધંધાર્થીઓ, કારીગરો, કામદારો તેમના વિકાસમાં પ્રગતિ મળે તે માટે તથા લોકોની નાની નાની નાણાંકીય જરૂરીયાતો સંતોષવા અને શાહુકારોનાં શોષણમાંથી મુકત કરવા ધીરાણ કરવામાં આવેલ છે.આ બેંકોમાં ૩૪.૯૮ લાખ સભાસદ અને ૯૯.૨૫ લાખ થાપણદારો છે. તથા બેંક દ્વારા ઓન સાઇટ કુલ-૧૮૨ એ.ટી.એમની સુવિધા ઉભી કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ સહકાર ક્ષેત્રનું મહત્વનું પ્રદાન છે, ઉપરાંત વિકાસ અને આધુનિકરણના સુભગ સમન્વય એવું સહકાર ક્ષેત્ર વધુ મજબુત થાય તેવી નેમ સાથે સહકાર મંત્રીશ્રીએ સહકાર વિભાગની માગણી રજૂ કરેલ.