દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં સીએમ રુપાણી, આવક બમણી કરવા પ્લાનિંગ

0
630

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી નવી દિલ્હીમાં નીતિ આયોગની હાઇપાવર્ડ કમિટી ઓફ ચીફ મિનીસ્ટર્સ ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડીયન એગ્રીકલ્ચરની આજે યોજાનારી પ્રથમ બેઠકમાં સહભાગી થશે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસના કન્વીનર પદે રચાયેલી આ હાઇપાવર્ડ કમિટીમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી ઉપરાંત યુ.પી.ના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, હરિયાણાના મનોહરલાલ ખટ્ટર, અરૂણાચલ પ્રદેશના પ્રેમા ખાંડુ તેમજ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ અને કર્ણાટકના કુમારા સ્વામીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય કૃષિ કલ્યાણ, પ્રધાન નરેન્દ્રસિંહ તોમર પણ આ સમિતીના સભ્ય તથા નીતિ આયોગના સભ્ય પ્રો. રમેશચાંદ સભ્ય સચિવ છે. મુખ્યપ્રધાનોની આ હાઇપાવર્ડ કમિટી દેશના કિસાનોની આવક બમણી કરવાના પગલાંઓ તથા કેન્દ્ર-રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કૃષિ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ તેમજ તેના ટાઇમ બાઉન્ડ ઇમ્પ્લીમેન્ટેશન માટે સૂઝાવોની ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરશે અને બે મહિનામાં તેનો અહેવાલ આપશે. તા. ૧૮ જુલાઇ-ર૦૧૯ ગુરૂવારે સવારે ૧૧ કલાકે નવી દિલ્હીમાં આ હાઇપાવર્ડ કમિટીની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી આજે આ બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોચશે. મુખ્યપ્રધાનના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન તેમજ કૃષિના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ પણ  મુખ્યપ્રધાન રુપાણી સાથે જોડાવાના છે.