મોરબી ઝુલતા પુલકાંડના આરોપી જયસુખ પટેલના સમ્માનથી વિવાદ

મોરબીમાં ઝુલતા પુલકાંડના આરોપી જયસુખ પટેલનું મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા મોદક તુલા કરવામાં આવતા વિવાદ ઊભો થયો છે. 135 લોકોના મોતના જવાબદાર જયસુખ પટેલના સમ્માન વખતે પૂર્વ સાંસદ કુંવરજી બાવળિયા, દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમના પટેલ, મોરબીના ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયા સહિતના નેતા પણ ઉપસ્થિત રહ્યાં હતા. બીજી તરફ, ઝુલતા પુલના પીડિત પરિવારોએ નારાજગી વ્યક્ત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી ઝુલતા પુલકાંડના આરોપી જયસુખ પટેલને ત્રણ દિવસના જામીન મંજૂર થયા છે. આ દરમિયાન મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા જયસુખ મોદક તુલા કરીને સમ્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ઝુલતા પુલકાંડ કેસના મુખ્ય આરોપી જયસુખ મોરબીમાં એક જાહેર કાર્યક્રમમાં જોવા મળતા વિવાદ ઊભો થયો છે. મોરબીના મચ્છુ નદી પર આવેલા ઝુલતા પુલને રિપેર કરવાનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને આપવામાં આવ્યો હતો. પુલની મજબુતાઇ ચકાસ્યા વગર ઓરેવા ગ્રુપ દ્વારા આ બ્રિજને મુલાકાતીઓ માટે ખુલ્લો મુકી દેવામાં આવતા પુલ ધસી પડ્યો હતો અને આ ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.  ઓરેવાના માલિક જયસુખ પટેલની જામીન અરજી અગાઉ નામંજૂર થઇ હતી અને બાદમાં તેને મોરબી જિલ્લામાં નહીં પ્રવેશવાની શરતે જામીન મંજૂર કરાયા હતા. કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં જયસુખ પટેલ મંચ ઉપર મુખ્ય મહેમાન તરીકે પહેલી હરોળમાં બેઠેલો જોવા મળ્યો હતો.