નસબંધી કાંડમાં અધિકારીઓના નિવેદનમાં વિરોધાભાસના કારણે વિવાદ

ગુજરાતમાં આરોગ્ય વ્યવસ્થા પાછલા ઘણા સમયથી ખુબ ચર્ચામાં છે નકલી ડોક્ટર, નકલી ઓપરેશન બાદ હવે જાણ બાર લોકોની નસબંધી કરવાની કરી દેવાનું કાંડ પ્રકાશમાં આવ્યું છે. મજૂરીની લાલચમાં બે યુવકોની નસબંધી કરી દેવાતાં આરોગ્ય વિભાગ શંકાના ઘેરામાં આવ્યુ છે. જોકે, આ ઘટનામાં આરોગ્ય મંત્રી અને આરોગ્ય અધિકારીના નિવેદનમાં વિરોધાભાસ ઉભો થયો જેના કારણે વિવાદ સર્જાયો છે. કેમ કે, આરોગ્ય મંત્રીએ ખુલાસો કર્યો છે કે, નસબંધીના ઓપરેશનમાં કોઇ ટાર્ગેટ અપાતા નથી. જયારે આરોગ્ય અધિકારીએ એવો ફોડ પાડ્યો કે, ટાર્ગેટ વિના આ બધું શક્ય જ નથી.

મહેસાણા જીલ્લાના નવી શેઢાવી ગામમાં એક અપરિણીત યુવકને દારૂ પીવડાવીને બારોબાર નસબંધી કરી દેવાતાં હોબાળો મચ્યો છે. આ ઉપરાંત આ જ વિસ્તારના જમનાપુર ગામમાં એક પરિણીતને ખેતરમાં મજૂરીની લાલચ આપીને સરકારી હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં જાણ બહાર યુવકની નસબંધી કરી દેવામાં આવી હતી. આ બે ઘટના બાદ આરોગ્યમંત્રી ૠષિકેષ પટેલે એવો ખુલાસો કર્યો હતોકે, છેલ્લાં 20 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે. નસબંધી માટે ટાર્ગેટ આપવાની વાત સદંતર ખોટી છે. સ્વૈચ્છિક રીતે નસબંધી કરાવે તો પુરુષને રૂ.2 હજાર પુરસ્કાર પેટે આપવામાં આવે છે જ્યારે વર્કરને નસબંધીના ઓપરેશન દીઠ રૂ.200 ચૂકવવામાં આવે છે.

જ્યારે બીજી બાજુ આરોગ્ય અધિકારી જી.બી. ગઢવીનું કહેવું છે કે, ટાર્ગેટ વિના આ શક્ય જ નથી. સાબરકાંઠામાં ટાર્ગેટના આધારે જ 375 નસબંધીના ઓપરેશન થયા છે. ટૂંકમાં આરોગ્ય અધિકારીએ કુટુંબ નિયોજનની કામગીરીમાં સરકાર ટાર્ગેટ આપે છે તે વાતનો સ્વિકાર કર્યો હતો. અડાલજ સરકારી હોસ્પિટલમાં છેલ્લાં 12 દિવસમાં 29 પુરુષોની નસબંધીના ઓપરેશન કરવામાં આવ્યા હતાં. 26મી નવેમ્બરે સાત અને 29મી નવેમ્બરે 16 ઓપરેશન કરાયા હતાં. આમ, નસબંધી કાંડને કારણે આરોગ્ય વિભાગ વિવાદમાં સપડાયુ છે.