બનાસકાંઠા- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બનાસકાંઠાના ડીસા તાલુકાના ટેટોડામાં ધન્વંતરી ગૌમાતા હોસ્પિટલનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં ગાય, ગીતા, ગંગા, ગીરધર અને ગાયત્રીની ઉપાસનાનું ગૌરવ કરાયું છે તેથી જ આપણે ત્યાં જીવથી શિવ અને વ્યક્તિથી સમષ્ટિ અને આત્માથી પરમાત્માનો મહિમા ગવાયો છે. રાજયમાં જીવમાત્રની રક્ષા થાય તે માટે કરૂણા અભિયાન-કરૂણા એમ્બ્યુલન્સની સેવા દ્વારા અનેક અબોલ પશુ-પક્ષીઓની રક્ષા-સુરક્ષા કરાઇ છે. કડીમાં ગૌમાતા હોસ્પિટલ સોનેરી પીંછ સમાન બની રહેશે.
ધન્વંતરી ગૌમાતા હોસ્પિટલ…
રાજ્યમાં કરૂણા અભિયાન, પશુઓ માટેની એમ્બ્યુલન્સ તથા પશુઓ માટે પણ આઇ.સી.યુ. અને પ્રિ-ઓપરેશન અને પોસ્ટ ઓપરેશન માટે પશુપાલન વિભાગ દ્વારા ઉભી કરવામાં આવેલ વિવિધ વ્યવસ્થાઓની મુખ્યપ્રધાને સમજ આપી હતી.
મુખ્યપ્રધાને કહ્યું કે, ચાલુ વર્ષે ઓછા વરસાદવાળા ૯૧ તાલુકાઓને ઇનપુટ સબસીડી આપી છે. વરસાદની વધુ અછતવાળા ૫૧ તાલુકાઓમાં ૧૪ કરોડ કિલો ઘાસચારાનું વિતરણ કરવા સાથે કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં કરોડો રૂપિયાની સબસીડી ઘાસચારા અને પશુઓના નિભાવ-નિર્વાહ માટે આપી છે. રાજય સરકાર ગરીબ, પીડિત, શોષિતને અગ્રીમતા આપી ખેતી-ગામડું સમૃધ્ધ થાય, ખેડૂતની આવક બમણી થાય, પશુપાલકોનું દૂધ ઉત્પાદન વધે તે માટે કટીબધ્ધ છે.
ખેડૂતોની મોલાત સૂકાઇ ન જાય તે માટે સુજલામ-સુફલામ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના તળાવો નર્મદાના નીરથી ભરવાનો કેબીનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે તેની વિગતો આપતાં તેમણે કહ્યું કે પાણીના અભાવે ખેડૂતોનો પરિશ્રમ કોઇકાળે એળે જવા દેવાશે નહીં.
મુખ્યપ્રધાને જીવદયા માટે હોસ્પિટલના નિર્માણ માટે સહયોગ આપનાર જીવદયા પ્રેમીઓ, ગૌશાળાના સંચાલકોને અભિનંદન આપ્યા્ હતાં. તેમણે ગૌશાળા માટે અપાયેલ રૂ. ૧૧ લાખના ચેકનો ગૌશાળા વતી સ્વીકાર કર્યો હતો.
ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જણાવ્યું કે રાજય સરકારે ૭૦ થી ૮૦ કરોડની ઘાસચારાની સહાય પૂરી પાડી બનાસકાંઠાના પશુધન જીવાડવાની અદ્દભૂત સેવા કરી છે.