ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી પોતાના પ્રતિનિધિ મંડળ સાથે ઉઝબેકિસ્તાનના પ્રવાસે પહોંચ્યા છે. મુખ્યપ્રધાન ત્યાં પહોંચતા જ ઉઝબેકિસ્તાનના નાગરિકોએ તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. મુખ્યપ્રધાન રુપાણીએ એંડીજાનમાં ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર એલ્યોર ગનીયેવ સાથે બેઠક કરી હતી.
ઉઝબેકિસ્તાનમાં યોજાનાર સમિટમાં સીએમની સાથે 40 ઉદ્યોગપતિઓ પણ જોડાયા છે. સીએમ વિજય રૂપાણી ગુજરાતના ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે. તેમના પાંચ દિવસના પ્રવાસ દરમિયાન ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ અને ગાંધી સ્ટ્રીટનું લોકાર્પણ થશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સીએમ ઉઝબેકિસ્તાનના પ્રવાસમાં અંજીઝાન શહેરમાં પણ જઇ શકે છે, જ્યાં ભારતમાં મોગલ શાસનની ઈંટ રાખનાર ઝહીર-ઉદ-દીન મોહમ્મદ બાબરનો જન્મ 1483માં થયો હતો. ઉઝબેકિસ્તાનમાં યોજાનાર સમિટમાં મુખ્યમંત્રી બિઝનેસ ડેલિગેટ્સ સાથે ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત ઉઝબેકિસ્તાનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામે ત્યાંની સ્ટ્રીટનું નામકરણ થાય તેવું પણ આયોજન કરાયું છે. તેમજ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ અને ગાંધી સ્ટ્રીટનું લોકાર્પણ થશે. આ ઉપરાંત જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ઉઝબેકિસ્તાનમાં પોતાની ફેક્ટરી પણ શરૂ કરી રહી છે, જેનું ખાતમુહૂર્ત થશે.