ગાંધીનગરઃ નર્મદાના પાણીને લઈને હવે મધ્યપ્રદેશ અને ગુજરાત આમનેસામને આવી ગયાં છે. મધ્યપ્રદેશની કોંગ્રેસની સરકારે સ્પષ્ટ કહી દીધું કે, પાણીના બદલામાં જે વીજળી મળવી જોઈએ, તે નથી મળી રહી. જેના કારણે મધ્યપ્રદેશે ગુજરાતમાં નર્મદાનું પાણી બંધ કરી દેવાની ચીમકી આપી છે. ત્યારે પાણીને લઈને બંને રાજ્યો સામસામે આવી ગયાં છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, સારા વાતાવરણને બગાડવાનું કામ મધ્યપ્રદેશ ન કરે તેવી વિનંતી કરું છું. પાણી સાથે કોંગ્રેસ રાજકારણ રમવાનું કામ કરે છે. મધ્યપ્રદેશના પ્રધાન અને મુખ્યપ્રધાનને ચેતવણી આપું છું કે, નર્મદા પાણી પ્રશ્ને રાજકારણ ન કરે, જેમાં જનતાનું હિત નથી હોતું.
મુખ્યપ્રધાન રુપાણીએ કહ્યું કે, ભૂતકાળમાં પણ કોંગ્રેસે ડેમ પૂરો કરવા અને દરવાજા મૂકવાની મંજૂરી નહોતી આપી. હું ચેતવવા માગું છું કે, મહેરબાની કરીને નર્મદાના પાણીની પ્રશ્ને કોઈ રાજકારણ ન રમે. તેમાં જનતાનું હિત પણ નથી. માહિતીનો સંપૂર્ણ અભાવ અને બાલિશ નિવેદનો છે. નર્મદા પાણીની વહેંચણી ટ્રીબ્યૂનલ નક્કી કરે તે મુજબ કરવામાં આવે છે. ચાર રાજ્યો સાથે તે જોડાયેલી છે. નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી મુજબ પાણીની વહેંચણી 2022 સુધી કોઈ જ ફેરફારને અવકાશ નથી. બાદમાં પુન: વિચાર માટે ઓથોરિટી બેસે ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવે છે.
મુખ્યપ્રધાને કહ્યું કે હું એમ માનું છું કે પાણી નહીં છોડીએ તેવી વાત તેમને શોભતી નથી. મધ્ય પ્રદેશ સરકાર કહે છે કે વીજ ઉત્પાદન કરતાં નથી. પરંતુ હાલ વીજ ઉત્પાદન ચાલુ છે અને તેમાંથી 57 ટકા હિસ્સો આજે પણ મળે છે. ગુજરાત પણ પોતાની રીતે ક્યારેય પણ પોતાની મેળે નિર્ણય લીધો નથી. તમામ ભાગીદાર રાજ્યોને સાથે બેસી નિર્ણય લેવામાં આવ્યા છે. ગુજરાત ક્યારેય મધ્ય પ્રદેશનું અહિત કરતી નથી. ડેમની સુરક્ષની દૃષ્ટિએ 138 મીટર સુધી ડેમને ભરવો એ આવશ્યક છે ત્યારબાદ જ ટેસ્ટિંગ કરી શકાશે.
મુખ્યપ્રધાન રુપાણીએ કહ્યું કે 40 વર્ષથી ચારેય રાજ્યોના સહકારથી નર્મદાના પાણી અંગે સારા વાતાવરણમાં સારી રીતે વ્યવસ્થા ચાલી રહી છે. સારા વાતાવરણને ડહોળવાનું કામ મધ્ય પ્રદેશ સરકાર ન કરે. હું મધ્ય પ્રદેશના નિવેદનોને નિંદનીય કહું છું. પુન: સ્થાપનનું કાર્ય નિયત સમય મર્યાદા મુજબ પૂરું થયું છે. મધ્ય પ્રદેશ અચાનક પુન: વસન ન થવાના આક્ષેપ કરે છે તે રાજકીય બદઈરાદાથી આ કરી રહી છે. 2024 સુધી ટ્રીબ્યુનલ સુધી કોઈ પણ ફેરફાર ન કરી શકે. મધ્ય પ્રદેશ ગુજરાતને આવી ધમકી આપે તે જરાપણ યોગ્ય નથી.
મધ્ય પ્રદેશની સરકાર આ કામ રાજકીય રીતે કરી રહી છે. ગુજરાત કોંગ્રેસે પણ આ વાતનો જવાબ આપવો જોઈએ કે ગુજરાતનું હિત શેમાં રહેલું છે. નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ, નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીના નિયમોને આધિન રહીને કામ કરવાનું છે. ગુજરાત સરકારનો અધિકાર છે પાણી મેળવવાનો. મને એવું લાગે છે ગુજરાત પોતાના હકનું પાણી મેળવીને રહેશે. જો મધ્ય પ્રદેશને નિવેદનને દૂર રહી પોતાની રજૂઆત નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીને મધ્ય પ્રદેશે કરવી જોઈએ.