ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં મહાત્મા ગાંધી જીવન-કવન પ્રદર્શનનું ઉદ્દઘાટન કર્યુ હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિના ઉપલક્ષ્યમાં ઉઝબેકિસ્તાનમાં ભારતીય રાજદૂતાવાસ દ્વારા આ પ્રદર્શની આયોજિત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ મહામાનવના જીવન-કવન પરના પ્રદર્શનના ઉદ્દઘાટનની ઉઝબેકિસ્તાનની ધરતી ઉપર મળેલી તકને પોતાના જીવનની ધન્ય ક્ષણ ગણાવી હતી.
મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે ગાંધીજી વ્યકિત નહિં, વિચારધારા છે. તેમને દરિદ્રનારાયણના ઉત્થાન સાથે સત્ય, અહિંસા, પર્યાવરણ સુરક્ષા અને સ્વછતાનો જે સંદેશ આપ્યો છે તે કોઇ એકાદ રાષ્ટ્ર-દેશ નહી પરંતુ સમગ્ર વિશ્વની માનવજાત માટે આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
આ પ્રદર્શન ઉદ્દઘાટન અવસરે એક ઉઝબેક યુવકે પૂજ્ય બાપૂને પ્રિય ભજન ‘‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ…’’ની ભાવસભર રજૂઆત કરી સૌને મુગ્ધ કર્યા હતા. મુખ્યમંત્રીએ આ યુવકને વિશેષ અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, મહાત્મા ગાંધી વિકાસશીલ, ઉદાર અને સર્વસમાવેશક વિચારધારા સાથે પોતાના સમયના યુગથી અનેકગણી આગળની વિચારધારા ધરાવતા મહામાનવ હતા.
વિશ્વ આજે ઉગ્રવાદ અને પર્યાવરણની ચૂનૌતિઓનો સામનો કરી રહ્યું છે ત્યારે ગાંધી ચિંધ્યો માર્ગ જ તેનો તારણોપાય છે તેમ પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું. આ પ્રદર્શનીમાં મહાત્મા ગાંધીના સમગ્ર જીવન કવનની તસ્વીરી ઝલકીઓ પ્રસ્તુત કરવામાં આવી છે.