ગાંધીનગરઃ ગુજરાતમાં ગરમીની શરુઆત થઈ ગઈ છે. વર્તમાન સમયમાં વાતાવરણમાં પલટો આવ્યો છે તેને લઈને ગરમીમાં આંશિક રાહત મળી છે પરંતુ રાજ્યના અનેક શહેરો એવા છે કે જ્યાં ગરમીનો આંકડો 40 ને પાર કરી ગયો છે. ત્યારે ગરમીના આ સમયમાં પાણીની સમસ્યાઓ પણ અનેક જગ્યાએ સર્જાઈ છે.
ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજ્યના આઠેય મહાનગરોમાં તથા શહેરી વિકાસ સત્તામંડળોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પાણી પુરવઠાની સ્થિતિની સમીક્ષા અને આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી.
પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાની સહ ઉપસ્થિતીમાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, પાણી પુરવઠા, શહેરી વિકાસના અગ્ર સચિવો સહિતના વરિઠ અધિકારીઓ પણ ચર્ચામાં જોડાયા હતા.
મુખ્યપ્રધાને મહાનગરોમાં આગામી ૧-ર વર્ષમાં વપરાશ માટેના પાણી પુરવઠામાં ૭પ ટકા ટ્રીટેડ વોટર-રીસાયકલ્ડ વોટર યુઝ કરવા માટેની વ્યવસ્થા કાર્યરત થાય તે અંગે પણ તાકીદ કરી હતી. રાજ્ય સરકારે આગામી જુલાઇ માસ સુધી પીવાના પાણીની પુરતી ઉપલબ્ધી માટે કરેલા આયોજન સંદર્ભમાં શહેરી ક્ષેત્રોમાં સ્થાનિક સત્તાતંત્રોની સજ્જતા-આયોજન અંગે પણ આ બેઠકમાં સમીક્ષા અને ચર્ચા-વિચારણ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોના મેયર, સ્ટેન્ડીંગ કમિટિના અધ્યક્ષો, અને કમિશનર આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.