અંધબધીર લોકો માટે ચેરિટી રાઈડ “મેસેન્જર્સ ઓન સાયકલ્સ”

જયારે પણ કોઇ અંધબધીર વ્યક્તિને જોઇએ ત્યારે તેમના માટે બિચારનો ભાવ વ્યક્ત થાય. પરંતુ હકીકતમાં તે બિચારા નથી, તેમને સમાનતા મળવી જોઇએ. આવા જ કઇંક પ્રયત્ન કરે છે ‘સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા’.

છેલ્લા આઠ વર્ષથી સેન્સ ઇન્ડિયા અમદાવાદમાં અંધબધીર વ્યક્તિઓ માટે જાગૃતિ અને સંવેદના વ્યક્ત કરવા, ઉપરાંત તેમના શિક્ષણ, આરોગ્ય અને સમાવેશીતા માટે મહત્વનો સંદેશો સાયકલીંગના માધ્યમથી આપે છે. આવતીકાલે એટલે કે 25 જૂન 2023 રવિવારના દિવસે સવારે પ.30 કલાકે આ રાઇડને બ્લાઇન્ડ પિપલ્સ એસોસિએશન(અંધજન મંડળ), વસ્ત્રાપુરથી લીલીઝંડી આપવામાં આવશે.

અમદાવાદમાં 500થી વધારે સાયકલીસ્ટ આ રાઇડમાં જોડાશે. દેશના અંધબધીર બાળકો અને પુખ્ત લોકોને સહયોગ મળી રહે તે હેતુથી 15 કિ.મીની સાયકલ રેલી કાઢવામાં આવશે. આ સાઇકલીસ્ટ ‘મેસેન્જર્સ ઓન સાયકલ્સ’ તરીકે ઓળખાય છે. આ સીઇકલીસ્ટ સાથે દિવ્યાંગ વ્યક્તિઓ પણ ટ્રાઇસિકલ અને હેન્ડ સાયકલ સાથે આ રાઇડમાં ભાગ લેશે.

આ વીશે વાત કરતા સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાના ડાયરેક્ટર, ડેવલોપ્મેન્ટ બીજુ મેથ્યુ ચિત્રલેખા.કોમને કહે છે: ભારતનાં 23 રાજ્યમાં વસતા 80,000થી વધુ અંધબધીર વ્યક્તિઓના સહાય માટે રાઇડનું આયોજન કરવામાં આવે છે. લોકોમાં જાગૃતિ આવે અને અંધબધિર લોકોને સમાન દ્ધષ્ટિથી જોતા થાય તે પણ એક હેતુ છે. વધુમાં કહે છે, આ રાઇડ પાછળ અન્ય કારણ પણ છે. 27 જૂન હેલન કેલરનો જન્મદિવસ છે. હેલન કેલર બીએની ડીગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ અંધબધીર વ્યક્તિ હતા. તેઓ લેખિકા પણ હતા. ઉપરાંત વિવિધ ઉદ્દેશો માટે તેમણે પોલિટીકલ એક્ટિવીસ્ટની પણ ભૂમિકા નિભાવી હતી. હેલન કેલર અંધબધીર વ્યક્તિઓ અને તેમના માટે કામ કરતા લોકો માટે પ્રેરણા સમાન છે. આ રાઇડ દ્ધારા અનોખી દિવ્યાંગતા પ્રત્યે જાગૃતિ ફેલાવીને હેલન કેલરની ભાવનાને સેલિબ્રેટ કરીએ છીએ. અંધબધીર વ્યક્તિઓએ જે સમાનતા, સમાવેશિતા અને સન્માન મેળવવાનું છે તે માટે અમે લડત આપી રહ્યાં છીએ.

સેન્સ ઇન્ડિયા વીશે વાત કરતા બીજુ મેથ્યુ કહે છે: સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા સેન્સ ઇન્ડિયા તરીકે પણ ઓળખાય છે. જેની સ્થાપના 1997માં અંધબધીર અને વિવિધ દિવ્યાંગતા ધરાવતા લોકોના સમર્થન અને વિકાસ માટે કરવામાં આવી હતી. શરૂઆતમાં બિનસરકારી સંસ્થા તરીકે તેનું નિમાર્ણ થયું. સેન્સ ઇન્ડિયા સ્થાનિક સંગઠનો સાથે મળીને અંધબધીર લોકોના સમર્થનમાં કામ કરીએ છીએ. સરકારના રાષ્ટ્રિય સમગ્ર શિક્ષા ‘ઇક્લુઝિવ એજ્યુકેશન’ પ્રોગ્રામમાં સમગ્ર ભારતના 23 રાજ્યોના 80 હજાર બાળકોને 19 એનજીઓની મદદથી આવરી લેવામાં આવ્યા છે. અમે બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, માલદીવ અને મલેશિયાના અગ્રણી સંગઠનો સાથે ભાગીદારી કરીને શિક્ષીત લોકોને તાલિમ આપીને અંધબધીરોને જરૂરીયાત પ્રમાણે મદદ કરીએ છીએ.

નોંધનીય છે કે સેન્સ ઇન્ડિયા સરકાર સાથે મળીને અંધબધીર વ્યક્તિઓને માન્યતા માટે કામ કરે છે. અંધબધીરોને રાઇટ્સ ઓફ પર્સન વીથ ડિસેબિલીટી એક્ટ -2016 હેઠળ માન્યતા પણ અપાવી છે. અંધબધીર કે અન્ય વિકલાંગ લોકોને જોઇને તેમના પ્રત્યે દયાભાવની સાથે લાગણીસભર સન્માન આપવુ પણ જરૂરી છે.