રાજકોટ અગ્નિકાંડના આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ થઈ..

રાજકોટ અગ્નિકાંડને આજે બે માસ પૂર્ણ થઈ ચૂક્યા છે. રાજકોટના TRP ગેમઝોનમાં એક જ ઝાટકે બાળકો સહિત 27 નિદોર્ષના જીવન બળી ખાખ થઈ ચૂક્યા હતા. ત્યારે આજે ગુનાની તપાસ કરતી SITએ તમામ 15 આરોપીઓ વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતું. આ કેસમાં 365 જેટલા સાક્ષી અને સાહેદો છે. જેમાંથી ૩૦થી વધુના રૂબરૂ કન્ફેસેન લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેમ ઝોનમાં મુખ્યત્વે વેલ્ડીંગ વખતે આગ લાગી હતી. ગેમ ઝોન બનાવવામાં મોટાપાયે પ્લાસ્ટીકના ફોમ શીટ, લાકડા સહિતના જવલનશીલ મટીરીયલનો ઉપયોગ થયો હતો. જેમાં ફોમશીટનો કુલીંગ વધારવા માટે  ઉપયોગ થયો હતો. આ પ્રકારના જવલનશીલ મટીરીયલને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને ૩ થી ૪ મિનિટમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તપાસ દરમિયાન ગેમઝોનમાંથી પેટ્રોલ-ડિઝલ જેવા જવલનશીલ પ્રવાહીની હાજરી મળી નથી.

 આ અગાઉ અગ્નિકાંડની લઈ SIT એ હાઈકોર્ટને રિપોર્ટ સુપરત કર્યો હતો. જેમાં અલગ-અલગ સરકારી વિભાગોની ભૂમિકાની તપાસ ગૃહ વિભાગ દ્વારા રચવામાં આવેલી સીટ કરી રહી છે. આ તપાસમાં કેટલાક વિભાગોની ભૂલ પણ સામે આવી હતી. ગેરકાયદે ટીઆરપી ગેમ ઝોનને કાયદેસર કરવા માટે ભાજપના કોર્પોરેટર નીતીન રામાણીએ ભલામણ કર્યાનું અગાઉ બહાર આવ્યું હતું. રામાણીએ પણ આ બાબતનો એકરાર કર્યો હતો. આ કેસમાં ચાર પીઆઈને અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરી દેવાયા છે. આ બાબતે પણ તપાસ પણ શરૂ છે. અગ્નિકાંડના તમામ 15 આરોપીઓ સામે 12 કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. રાજકોટના અગ્નિકાંડ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેની તપાસ કરતી સીટે કુલ 15 આરોપીઓની ધરપકડ કરી હતી.

જે 15 આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરાયું છે તેમાં ધવલ ઠકકર, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, નિતીન લોઢા, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, મહેશ રાઠોડ, મનસુખ સાગઠીયા, ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદિપ ચૌધરી, રાજેશ મકવાણા, રોહિત વીગોરા, ભીખાભાઈ ઠેબા અને ઈલેશ ખેરનો સમાવેશ થાય છે.