ગાંઘીનગર: 5મી સપ્ટેમ્બર ‘શિક્ષક દિન’ નિમિત્તે રાજ્યનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેના એવોર્ડ રાજય સરકાર તરફથી આપવામાં આવે છે ત્યારે રાજ્યના ‘શ્રેષ્ઠ શિક્ષક’ તરીકે પસંદગી કરવાના હાલના માપદંડમાં મહત્વના ફેરફાર શિક્ષણ વિભાગે કર્યા છે. જેમાં શિક્ષક પોતે ઉપરાંત પણ કેટલીક અન્ય વ્યક્તિઓ ભલામણ કરી શકશે.
રાજ્યની સરકારી, બિનસરકારી અનુદાનિત પ્રાથમિક, માઘ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોનો પોતાના કાર્યમાં જોમ અને જૂસ્સો વધે અને તેઓ પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુ સાથે શિક્ષણ વિભાગે કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે.
આ ફેરફાર મુજબ શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવા શિક્ષક પોતે તો દરખાસ્ત કરી જ શકશે ઉપરાંત સમાજની વ્યક્તિઓ, વાલીઓ, શાળાના વિદ્યાર્થીઓ, આચાર્યો, શાળાના સંચાલકો, સંઘના પ્રતિનિધિઓ, શાળાના અન્ય કર્મચારીઓ, સી.આર.સી., બી.આર.સી., કેળવણી નિરીક્ષક, શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલીમ ભવનના આચાર્ય, તેમ જ તેના અધ્યાપકશ્રીઓ વગેરે શ્રેષ્ઠ શિક્ષકના એવાર્ડ માટે આધારભૂત કારણો દર્શાવીને સંબંધિત શિક્ષકની શ્રેષ્ઠ શિક્ષક માટે ભલામણ કરી શકશે. આમ, શ્રેષ્ઠ શિક્ષકની પસંદગીની પ્રક્રિયામાં શિક્ષણ વિભાગે નવો અભિગમ દાખવ્યો છે.
શ્રેષ્ઠ શિક્ષકની પસદંગીની પ્રક્રિયામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ હાલમાં તાલુકા, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ૧પ વર્ષના અનુભવને ઘ્યાનમાં રાખીને આપવાનો થાય છે. તેમાં પણ શિક્ષણ વિભાગે મહત્ત્વનો ફેરફાર કર્યો છે. આ ફેરફાર અંતર્ગત તાલુકા કક્ષાએ પ વર્ષ, જિલ્લા કક્ષાએ ૧૦ વર્ષ અને રાજ્ય કક્ષાએ ૧પ વર્ષના અનુભવવાળા શિક્ષક શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું પારિતોષિક મેળવવા માટે ઉમેદવારી નોંધાવી શકશે.
શ્રેષ્ઠ શિક્ષકની પસંદગીની પ્રક્રિયાના માપદંડમાં એક નવીનતમ અભિગમ સાથે બીજો પણ મહત્વનો ફેરફાર શિક્ષણ વિભાગે કર્યો છે. તે મુજબ રાજ્યની સરકારી, બિનસરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાના શિક્ષકો કે જે શિક્ષકો તાલુકા, જિલ્લા અને રાજ્ય એવોર્ડમાં ભાગ લઈ શકતા નથી પરંતુ તેઓ ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતા હોય, શાળાકીય સહ અભ્યાસિક પ્રવૃત્તિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક યોગદાન વગેરેમાં સક્રિય હોય તો તેવા શિક્ષકોને ‘પ્રતિભાશાળી શિક્ષક’ તરીકે પ્રમાણપત્ર આપવામાં આવશે. આમ દર વર્ષે અંદાજે ૬પ૦૦ જેટલા શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક તરીકે નવાજવામાં આવશે.
પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર માટે રાજ્યના દરેક કલસ્ટરદીઠ અને સત્રદિઠ / મુખ્ય શિક્ષક તરીકેની પસંદગી કરવામાં આવશે અને આવી પસંદગી પામેલ શિક્ષકને સેવાકાળ દરમિયાન એક વખત આવુ પ્રમાણપત્ર આપવામાં આવશે.
શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગીના માપદંડમાં શિક્ષણ વિભાગે કરેલા આ મુજબના મહત્વના ફેરફારોના આધારે આગામી શિક્ષક દિનના દિવસે શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે તાલુકા, જિલ્લા અને રાજ્યભરના શિક્ષકોની પસંદગી કરીને અગામી પમી સપ્ટેમ્બર-ર૦૧૯ના રોજ શ્રેષ્ઠ શિક્ષક તરીકેના એવોર્ડથી સન્માનિત કરાશે.