મોડાસાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાની સમર્થ ભૂમિ પરથી ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી દરમિયાન આજે તિરંગો લહેરાવી તેને સલામી આપી ગુજરાતના સર્વાંગી વિકાસની ગાથા આલેખી હતી.
વિશ્વની પ્રાચીનતમ ગીરીમાળા એવી અરવલ્લીના ખોળે વસેલા મોડાસાના આંગણેથી રાજ્યના સૌ નાગરિકોને ૭૬મા સ્વાતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ભારત દેશને વિદેશી શાસનમાંથી મુક્ત કરાવી આઝાદ લોકતાંત્રિક ભારતની સ્થાપના કરનાર વીર શહીદોને યાદ કરવાનો આજે દિવસ છે.
બ્રિટિશ હુકુમત સામે લગભગ ૯૦ વર્ષ ચાલેલી આ લડત દેશ આખો એક બની લડ્યો હોવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદીની લડાઈનું નેતૃત્વ ગુજરાતની ધરાના બે સપૂતો ગાંધીજી અને સરદાર સાહેબે લીધું હતું. સાથે-સાથે સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, અશફાક, ચંદ્રશેખર આઝાદ, લાલ-બાલ-પાલ, શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા અને સરદારસિંહ રાણા જેવા ક્રાંતિકારીઓના સાહસે પણ બ્રિટિશ હુકુમતના ગઢમાં ગાબડા પાડ્યા હતાં. એટલું જ નહીં સરદાર સાહેબે આઝાદી બાદ ભારતને ભૌગોલિક રીતે એક કરવાનું મહાન કામ કર્યું. આઝાદીના ૭૫ વર્ષ પછી આજે ભારત જ્યાં ઉભું છે, ભારતે જે પ્રગતિ કરી છે તેના પાયામાં આ સ્વતંત્ર વીરોનું બલિદાન જ છે, એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વીર સપૂતોના સાહસ, શૌર્યનું દેશવાસીઓને સતત સ્મરણ રહે એટલે જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વતંત્રતાના ૭૫માં વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો કોલ આપ્યો છે.
મુખ્ય મંત્રીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, વડાપ્રધાનના આહવાનને ઝીલી લઈને કરોડો ગુજરાતીઓએ હરઘર તિરંગા અભિયાનને સફળ બનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપ આ દેશને મળી છે તે આપણું સૌભાગ્ય છે. નરેન્દ્રભાઈ મોદીના હૃદયમાં દેશના ગરીબ, વંચિત, નબળા વર્ગના લોકો માટે વિશેષ સ્થાન છે, એટલું જ નહી પણ એમની વિકાસ નીતિ, અને ગરીબોના કલ્યાણની નીતિ એમ દરેક નીતિએ મીઠા ફળ આપ્યા છે.