અમદાવાદઃ વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમમાં બે યુવતીઓ ગુમ થયા બાદ પોલીસ તપાસમાં રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ડીપીએસ મણિનગર દ્વારા કેમ્પસની જમીન સીબીએસઈની મંજૂરી વગર જ આશ્રમને આપવામાં આવી હતી. પોલીસે ડીપીએસ શાળાના પ્રિન્સિપલ હિતેશ પુરી અને મકાન ભાડા પર આપનારા મકાન માલિક બકુલ ઠક્કરની ધરપકડ કરી છે. તો સીબીએસઈના સેક્રેટરી દ્વારા ગુજરાતના શિક્ષણ વિભાગને પત્ર લખીને તપાસ રિપોર્ટ સોંપવાના આદેશ આપવામાં આવ્યા છે.
સીબીએસઈએ આ મામલે નોંધ લેતા ગુરુવારના રોજ રાજ્યના શિક્ષણ વિભાગને પત્ર લખીને જણાવ્યું છે કે શાળાની જમીન બોર્ડની મંજૂરી વગર નિત્યાનંદને આપવામાં આવી હતી. બોર્ડ દ્વારા 2010 માં સ્ટેટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના એનઓસીથી ડીપીએસ શાળાને મંજૂરી આપવામાં આવી હતી. આ શાળાને 12 ધોરણ સુધી મંજૂરી આપવામાં આવી છે અને આની માન્યતા 31-3-2022 સુધી છે. જમીનના જે પણ દસ્તાવેજ સીબીએસઈ અને સરકાર સામે રજૂ કરવામાં આવ્યા તેમાં પણ ગોટાળો હોવાની વિગતો સામે આવી છે. સીબીએસઈએ આ તમામ મામલાની તપાસ કરીને શિક્ષણ વિભાહને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.