રાજ્યમાં સાયબર ફ્રોડના અવાર નવાર કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે પાછલા કેટલાક સમયમાં સાયબર ફ્રોડના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં ચાલતા વિવિધ કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને પોતાની જાળમાં ફસાવી લોકોના રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે સીબીઆઇની 350થી વધુ લોકોની ટીમે ગુજરાતમાં મોટી રેડ પાડી છે. જેમાં શહેરમાં ગેરકાયદે ચાલતા 35થી વધુ કોલ સેન્ટરો પર સિકંજો કસ્યો હતો. ઉલ્લેખનીય છે કે રેડની પુર્ણ થયા બાદ ચોંકાવનારા ખુલાસા થવાની પણ સંભાવના સેવાય રહી છે.
છેલ્લા ઘણાં સમયથી સીબીઆઈ દ્વારા સાઈબર ફ્રોડના કેસ અને તેને લગતા કોલ સેન્ટરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન સીબીઆઈ વિશાખાપટ્ટનમ, કોલકાતા, હૈદરાબાદ જેવા શહેરોમાં દરોડા પાડી ચૂકી હતી. જ્યાંથી અમદાવાદ સાથેની લિંક મળતાં 350 જેટલાં સીબીઆઈના અધિકારીઓની ટીમે ગેરકાયદે રીતે ચાલતા કોલ સેન્ટરો પર તવાઈ બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે એવા અનેક ગેરકાયદે કોલ સેન્ટર અમદાવાદમાં સંચાલિત છે જ્યાંથી અમેરિકા જેવા દેશોમાં કોલ કરીને લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે લોકોને ડરાવી-ધમકાવી કે ફસાવીને ઉઘરાણી કરવામાં આવે છે. તેમને લોન ઓફર કરીને તેમની પાસેથી પૈસા ઉઘરાવી લેવાતા હતા. જેની ઘણી ફરિયાદો મળી હતી. ડોલરમાં આવક મેળવનારા આવા કોલ સેન્ટર માલિકોની તંત્ર કે પોલીસ સાથે સાંઠગાંઠ હોય તેવું પણ બની શકે છે. જોકે સીબીઆઈના દરોડામાં આવા લોકો પર તવાઈ બોલાવી દેવાઇ છે. આખી રાત દરમિયાન રેડની કાર્યવાહી કરવામાં આવી હતી. કારણ કે આવા કોલ સેન્ટર ખાસ કરીને રાતે જ ધમધમતા હોય છે.