ગાંધીનગરઃ સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લી.ના ચેરમેન અને સી.ઇ.ઓ. લક્ષ્મી મિતલે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે મુલાકાત કરી હતી.
લક્ષ્મી મતિલની આ કંપની સુરતના હજીરામાં ૪ર હજાર કરોડ રૂપિયાના ખર્ચે એસ્સાર સ્ટીલનો પ્લાન્ટ હસ્તગત કરી પોતાનું ઉત્પાદન શરૂ કરવાની છે. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બેઠકમાં લક્ષ્મી મિતલે રાજ્યમાં પ્રથમ આવા મોટા પ્રોજેકટમાં રોકાણ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું.
તેમણે ગુજરાત સરકારનો સહયોગ મળતો રહે તો ભવિષ્યમાં અન્ય મોટા પ્રોજેકટસ પણ ગુજરાતમાં શરૂ કરવા ઉત્સુકતા વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ પણ રાજ્ય સરકાર તરફથી આરસેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લી.ને જરૂરી સહકારની ખાતરી આપી હતી.
સ્ટીલ ઉત્પાદનમાં વિશ્વ સ્તરે અવ્વલ સ્થાન ધરાવતી આ કંપની જાપાનની નિપોન સ્ટીલ સાથે ગુજરાતમાં અદ્યતન ટેકનોલોજીયુકત ઉત્પાદન કરશે. ખાસ કરીને એન્ટી કોલીઝન એટલે કે મોટરકારમાં અકસ્માત સમયે સ્ટીલ-બોડીને થતું નૂકશાન અટકાવી શકાય તેવા સક્ષમ સ્ટીલનું ઉત્પાદન ગુજરાતમાં આ અદ્યતન ટેકનોલોજીયુકત પ્લાન્ટ તેઓ કરવાના છે.