ગુજ્જુ ગર્લ તસ્નિમ મીર બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં એશિયન ચેમ્પિયન

ઈન્ડોનેશિયા: તાજેતરમાં ઇન્ડોનેશિયા ખાતે રમાયેલી એશિયન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં અંડર-15 મહિલા સિંગલ્સમાં મહેસાણાની તસ્નિમ મીરે ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયા, સેમી ફાઇનલમાં જાપાન અને ફાઇનલમાં ભારતના મહારાષ્ટ્રની પ્રતિસ્પર્ધી તારા શાહને હરાવી ચેમ્પિયનશીપ હાંસલ કરી હતી.

રવિવારે મહેસાણાની તસ્નિમ મીર અને મહારાષ્ટ્રની તારા શાહ વચ્ચે ફાઇનલ રમાઇ હતી. જેમાં 17-21, 21/11, 21-19થી તસ્નિમ મીર ફાઇનલ વિજેતા બની સિંગલ્સ અંડર-15 એશિયન ચેમ્પિયન બની હતી. તસ્નિમને ગોલ્ડ મેળ્યો હતો જ્યારે પૂણે ગર્લ તારાને સિલ્વર મેડલ મળ્યો હતો. મહત્વનું છે કે, ગત વર્ષે એશિયન બેડમિન્ટનની ડબલ્સની જોડીમાં તસ્નિમ મીર ચેમ્પિયન બની હતી.

55 મિનિટની આ મેચમાં આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરેલી પૂણે ગર્લ તારાએ પ્રથમ સેટમાં પોતાના દબદબો જાળવી રાખ્યો અને 21-17થી પ્રથમ સેટ પોતાને નામે કર્યો હતો પણ ત્યારબાદ તસ્મિમે જોરદાર વાપસી કરતા બીજો પોતાના નામે કર્યો અને અંતે ત્રીજા સેટમાં પણ પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા તસ્નિમે ટાઈટલ પોતાના નામે કર્યું.

બંને ખેલાડીઓએ ગત ચેમ્પિયનશિપના પ્રદર્શનમાં સુધારો કર્યો છે, તેઓ 2018માં યોજાયેલી ચેમ્પિયનશિપમાં કવાર્ટર સુધી પહોંચ્યા હતા. ગુજરાત બેડમિન્ટન એસો. દ્વારા ગોલ્ડ મેડલ જીતનારી તસ્નિમ મીરને 51 હજાર રુપિયાનું રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ઇન્ડોનેશિયામાં સિંગલ્સ અને ડબલ્સ જોડીમાં એશિયન બેડમિન્ટન ટૂર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં એશિયાના વિવિધ દેશના ખેલાડીઓએ ઝંપલાવ્યું હતું. આ ટૂર્નામેન્ટની સિંગલ્સ પ્લેયર્સ રમતમાં મહેસાણાની તસ્નિમ મીર ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયા અને સેમી ફાઇનલમાં જાપાનના પ્રતિસ્પર્ધીને હરાવી ફાઇનલમાં પહોંચી હતી.