અમદાવાદમાં ય નાગરિકતા બિલનો વિરોધઃ પ્રદર્શનકારીઓની અટકાયત

અમદાવાદઃ નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં અને સૌથી વધારે પૂર્વોત્તર રાજ્યોમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે ગુજરાત પણ આ વિરોધમાં જોડાયું છે.

શહેરમાં આઇઆઇએમ પાસે કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જામિયા મીલિયાના વિદ્યાર્થીઓના સમર્થનમાં સાંકેતિક અને અહિંસક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જો કે વિરોધ કરવા આવેલા 50 જેટલા લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ લોકો પાસે વિરોધ કરવાની મંજૂરી નહોતી જ્યારે બીજી બાજુ પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે અમે મંજૂરી માંગી હતી પરંતુ અમને વિરોધ કરવાની મંજૂરી આપવામાં ન આવી. પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવ્યા બાદ તેમને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશન બહાર પણ લોકોની ભીડ ઉમટી હતી અને જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમેને છોડવા માટે માંગ કરાઈ હતી.

આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ગુજરાત ‘પોલીસ મુર્દાબાદ’ અને ‘ઈન્કલાબ ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. માત્ર એટલું જ નહીં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું અને પ્રદર્શનકારીઓને ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરવાની ફરજ પડી હતી.