દાદરા નગર હવેલીમાં જાન લઈ જતી બસને અકસ્માત નડ્યો, એકનું મોત, 20થી વધુ ઘાયલ

દાદરા નગર હવેલીમાં એક આનંદનો પ્રસંગ હવે શોકમાં ફેરવાઈ ગયો છે. જે ઘરમાં લગ્નની ખુશીઓ ગુંજી રહી હતી, ત્યાં હવે ગમગીની છવાઈ ગઈ છે. દપાડાથી કરચોન ગામે જાન લઈ જતી બસ ઉપલામેઢા ટર્નિંગ પાસે અકસ્માતનો ભોગ બની. વળાંક લેતી વખતે બસચાલકનું સ્ટિયરિંગ પરનું નિયંત્રણ ખોવાઈ જતાં બસ રસ્તા પર પલટી ગઈ. આ દુર્ઘટનામાં એક મહિલાએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો, જ્યારે 20થી વધુ જાનૈયાઓને ઈજા પહોંચી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા.

જાનૈયાઓથી ભરેલી બસ પલટાતાં આજુબાજુના લોકો તરત જ મદદ માટે ઘટનાસ્થળે પહોંચ્યા. સ્થાનિકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને તાત્કાલિક જાણકારી આપી. અકસ્માત બાદ બસચાલક ઘટનાસ્થળ પરથી નાસી છૂટ્યો હતો. પોલીસે ઝડપથી પહોંચીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા. જેમાંથી 14 જાનૈયાઓની હાલત ગંભીર હોવાથી તેમને વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

પોલીસે મૃત મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે. આ ઘટનાને પગલે પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. બસચાલકની શોધખોળ સાથે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસો ચાલી રહ્યા છે. આ દુઃખદ ઘટનાએ પરિવારજનો અને સ્થાનિક સમુદાયમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.