અમદાવાદઃ પડકારજનક આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતાં સ્ટાર્ટઅપ્સ તથા કારોબારોએ તેમના કારોબારના મોડેલની સમીક્ષા કરવા ઉપરાંત રોકાણકારોનાં હિતોને આકર્ષવા માટે કારોબારની વધુ કરકસરયુક્ત પદ્ધતિઓ અપનાવવી જોઈએ તેમ અહીં યોજાયેલી GVFL વાર્ષિક રોકાણકાર મીટ 2023માં નિષ્ણાતોએ જણાવ્યું હતું.
GVFLની વાર્ષિક રોકાણકારોની ત્રણ વર્ષના ગાળા બાદની ફિઝિકલ મોડમાં યોજાયેલી મીટમાં 250થી વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો, રોકાણકારો, ઇન્ક્યુબેટર્સ, સંસ્થાકીય રોકાણકારો, ફંડો અને અન્ય હિતધારકોને રોકાણના વલણો અને અન્ય સંબંધિત વિષયો પર ચર્ચા કરવા એકત્ર કરવામાં આવ્યા હતા.
GVFLના MD કમલ બંસલે તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ્સે તેમના આવકનાં મોડેલો પર પુનર્વિચાર કરવો પડશે. તેમણે ભાવિ યોજનાઓ અંગે પણ માહિતી આપતાં જણાવ્યું હતું કે તે ખૂબ જ ટૂંક સમયમાં તેનું દસમું ભંડોળ લોન્ચ કરશે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં ગુજરાત યંગ એન્ટરપ્રિન્યોર્સ વેન્ચર ફંડની જાહેરાત કરવામાં આવી છે ત્યારે GVFLને આશા છે કે ત્રણથી પાંચ વર્ષમાં ગુજરાતમાં સ્ટાર્ટઅપમાં રૂ. 3000 કરોડથી વધુના રોકાણને ઉત્પ્રેરિત કરશે.
GVFLના પ્રમુખ મિહિર જોશીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રોકડની અછત છે, તે સાચું છે. રોકાણકારો સાવધ થઈ રહ્યા છે. પરંતુ શું આને ફંડિગ વિન્ટર એટલે કે મૂડી પ્રવાહમાં આવેલા કરેક્શનને કારણે સ્ટાર્ટઅપ્સ માટે ટૂંકા કે મધ્યમ ગાળા માટે ઊંચુ વેલ્યુએશન હાંસલ કરવાની શક્યતામાં ઘટાડો કહી શકાય? તો તેનો જવાબ ‘ના’ છે.
આ બેઠકમાં નિષ્ણાતોએ એવા વ્યાવસાયિક મોડેલો શોધવા પર ભાર મૂક્યો હતો, જે માત્ર પિરામિડની ટોચ જ નહીં પરંતુ પિરામિડના મધ્યમાં અને તળિયા સુધી પણ પહોંચી શકે. તેમણે નવીનતાની જરૂરિયાત, વાસ્તવિક વિશ્વની સમસ્યાઓ હલ કરવામાં મદદ કરે તેવા વિચારો અને યોગ્ય અમલીકરણ પર પણ ભાર મૂક્યો હતો.
રસના ગ્રુપના CMD પિરુઝ ખંભાતાએ મુખ્ય સંબોધન કરતાં જણાવ્યું હતું કે દુનિયાની નજર ભારત તરફ છે અને મારા મતે ભારત માટે સૌથી મોટી તક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં છે. સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે મોટા પાયે કામ કરતા સુનીલ પારેખે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતમાં 91,000 રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ, 108 યુનિકોર્ન અને દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આવેલી છે.