અમદાવાદઃ શહેરમાં બૂટલેગરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. પરંતુ અત્યારે જે ઘટના સામે આવી છે તે ઘટના જોતાં લાગે છે કે બૂટલેગરોએ માનવતાની હદ વટાવી છે. ગત રાત્રે મેઘાણીનગર વિસ્તારમાં એક બૂટલેગરે માત્ર 20 દિવસની બાળકીની હત્યા કરી દીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સતીષ પટણી અને તેના સાગરિતોએ હસન જીવાભાઈની ચાલીમાં ઘરમાં ઘૂસી આતંક મચાવ્યો હતો. આ દરમિયાન એક 20 દિવસની માસૂમ દીકરીને ધોકો વાગતાં તેનું મોત થયું હતું.
મેઘાણીનગરમાં હસન જીવાભાઈની ચાલીમાં ગુરુવારની રાત્રિએ કુખ્યાત બૂટલેગર સતીષ પટણી અને તેના સાગરિતો ચાલીમાં ધોકા અને પાઈપો વડે આતંક મચાવ્યો હતો. આ સમયે ચાલીમાં બહાર બેસેલી મહિલાઓને તેઓએ મારવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે એક મહિલાના હાથમાં 20 દિવસની બાળકી પણ હતી. જેના માથા પર ધોકો વાગતાં તેનું મોત નિપજ્યું હતું. તો બૂટલેગરના આ હુમલામાં ત્રણ મહિલાઓને ઈજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં હતાં.
બુટેલગરના આતંકમાં બાળકીનું મોત નિપજતાં લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. અને મોટી સંખ્યામાં લોકો મેઘાણીનગર પોલીસ સ્ટેશને પહોંચી ગયાં હતાં. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાદ પોલીસે અત્યારે મહિલાના પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. તો બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે. આરોપીઓને કડક સજા થાય તેવી પરિવારે માગ કરી છે. તો આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. તો અન્ય આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.