ગ્રંથના પંથના અપૂર્વયાત્રી હતા યશવંત દોશી

અમદાવાદઃ ‘ગ્રંથના દરેક પાને એ પોતાનો સ્પર્શ આપતા, પણ ક્યાંય પોતાનો અવાજ ન મૂકતા.’ આ શબ્દો હતા પ્રા. દીપક મહેતાના. સ્થળ હતું, અમદાવાદનું ગુજરાત વિશ્વકોશ ભવન. ગ્રંથ સામયિક દ્વારા ગુજરાતી ભાષામાં અભૂતપૂર્વ પ્રદાન આપનારા આપણા અવલોકનકાર યશવંત દોશીનું આ જન્મશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે, એ નિમિત્તે વિશ્વકોશમાં દર મહિને યશવંત દોશી વિશે કાર્યક્રમોનો દૌર પણ ચાલી રહ્યો છે. ગત 14 માર્ચ શનિવારે ત્યાં યશવંત દોશી સાથે ‘ગ્રંથ’માં કામ કરવાનો અનુભવ ધરાવતા પ્રા. દીપક મહેતાનું વક્તવ્ય ગોઠવાયું હતું.

દીપકભાઈએ એમના વક્તવ્યમાં યશવંતભાઈના વ્યક્તિત્વને બખુબી આલેખતા એમની તમામ છબીઓ ઝડપી લેતા અનેક સ્મરણો વાગોળ્યા હતા. એમના જ શબ્દોમાં, અવલોકનકારને સંપાદક તરીકે કર્મઠ, નિષ્ઠાવાન યશવંતભાઈ વ્યક્તિ તરીકે એટલા જ સૌમ્ય, સત્યવક્તાને વિવેકી હતા. કામની બાબતમાં આગ્રહી ખરા, પણ હઠાગ્રહી નહીં. પ્રામાણિકતાની એવી શાખ કે નવા નવા સંપાદક તરીકે પણ ઉમાશંકર જોષીને કનૈયાલાલ મુનશી જેવા દિગ્ગજોના પુસ્તક-સંપાદનને વખોડી કાઢતાં જરીકે ન ખચકાય.

યશવંતભાઈનું મહત્વપૂર્ણ યોગદાન એટલે ગ્રંથ સામયિક. આ સામયિકની વિશિષ્ટતાઓ વિશે જણાવતાં દીપકભાઈએ કહ્યું કે ગુજરાતીમાં માત્ર પુસ્તક અવલોકનોને વરેલું આવું ગુણવત્તાસભર સામયિક ‘ગ્રંથ’ પહેલાં કોઈ હતું નહીંને કદાચ હવે કોઈ હશે નહીં. 22 વર્ષ ચાલેલા આ સામયિકમાં જેટલાં પુસ્તક અવલોકનો પ્રકાશિત થયાં છે એટલા ગુજરાતીમાં ક્યાંય નથી થયા. દસ હજારથી વધારે અવલોકનો એમાં છપાયા હતાને સાહિત્ય જ નહીં, જીવનને સ્પર્શતા તમામ વિષયનાં, તમામ ભાષાના અવલોકનો ભાષાંતરિત કરીને પણ યશવંતભાઈએ સતત છાપ્યાં હતાં. હવે આજે ખૂબ જરૂરી છે કે આપણે ગ્રંથ સામયિકની મુંબઈમાં સચવાયેલી ફાઈલ્સને વહેલી તકે ડિજિટલાઈઝ કરી આગલી પેઢી માટે ઉપલબ્ધ કરી આપીએ.

અમદાવાદના સી.એન. મહાવિદ્યાલયમાં ભણેલા યશવંત દોશી પર ત્યારે ભાઈલાલભાઈ શાહની કેટલીક પ્રાર્થનાઓનો ઊંડો પ્રભાવ રહ્યો હતો. આ અવસરે જાણીતાં સંગીતકારો સૌમ્ય મુનશી, આરતી મુનશી ને અલ્પા શાહ દ્વારા એ પ્રાર્થનાઓની સંગીતપ્રસ્તુતિઓ પણ કરવામાં આવી હતી. જાણીતા સાહિત્યકાર કુમારપાળ દેસાઈ, ચંદ્રકાન્ત શેઠ, યશવંતભાઈના પુત્ર અભિજિત દોશી ને એમનો પરિવાર વગેરે અનેક મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા હતા.

દીપકભાઈએ અંતે કહ્યું હતું કે ચંદ્રકાન્ત શાહના શબ્દોમાં યશવંતભાઈએ ઓસરીમાં નહીં, અગાશી ઘોડો દોડાવવા જેવું કપરું કામ પાર પાડ્યું હતું. જીવનના અંતિમ તબક્કે યશવંતભાઈએ છેલ્લી મુલાકાત ‘ચિત્રલેખા સામયિક’ને આપી હતી, એમાં એમણે કહેલું કે કોઈ ફરિયાદ નથી રહી, હું તો ભરપૂર જીવ્યો છું.

(અહેવાલઃ સુનીલ મેવાડા, તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)