61 લાખના ધંધાકીય વિવાદમાં બોપલના એનઆરઆઈની હત્યા

અમદાવાદના બોપલ વિસ્તારમાં એનઆરઆઈ દીપકભાઈ પટેલના માથામાં પથ્થરના ઘા ઝીંકીને ગોધાવી-મનીપુર રોડ પર આવેલા ગરોડીયા ગામ નજીક હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપી મૃતકનો જ ધંધાકીય પાર્ટનર હોવાનું સામે આવ્યું છે.  આ ઉપરાંત પણ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક દીપકભાઈ અને શીલજનો રહેવાસી આરોપી ઈન્દ્રજીતસિંહ વાઘેલા ઉર્ફે મુન્ના બંને જમીન દલાલીના ધંધામાં પાર્ટનર હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે તેમના વચ્ચે નફાની વહેંચણીને લઈને રકઝક થઈ હોવાનો ખુલાસો થયો છે. મૃતકે આરોપી પાસેથી 61 લાખ લીધા હોવાનું સામે આવ્યું છે. મૃતક દીપકભાઈ અને આરોપી બંને કારમાં બેસીને ક્યાંક જઈ રહ્યાં હતા, ત્યારે પણ તેમના વચ્ચે નફાની વહેંચણીને લઈને બોલાચાલી થઈ હતી. જેમાં મામલો ઉગ્ર બનતા આરોપીએ દીપકભાઈને પાઈપ વડે માર મારીને હત્યા કરી હતી, આ પછી દીપકભાઈના મૃતદેહને અવાવરું જગ્યાએ ફેંકીને નાસી ગયો હતો.

અલ્પાબેન અને દીપકભાઇ અમેરિકાથી બે મહિના પહેલા નવરાત્રિ અને દિવાળીના તહેવાર માટે અમદાવાદ આવ્યા હતા અને સરખેજમાં મુખીની શેરીમાં આવેલા એક બંગલામાં રહેતા હતા. ગુરૂવારે રાતના 12 વાગે દીપકભાઇ કારને યોગ્ય રીતે પાર્ક કરવાનું કહીને બહાર ગયા હતા. થોડીવાર પછી તેમણે અલ્પાબેનને કોલ કરીને કહ્યું હતું કે, ‘એક વ્યક્તિને મળીને એક કલાકમાં પરત આવું છું.’ પરંતુ, મોડી રાત સુધી પરત ન ફરતા અલ્પાબેને કોલ કર્યો ત્યારે તે ફોન ઉપાડતા નહોતા. જેથી તેમણે અમેરિકા ખાતે રહેતા તેના દીકરા જીગરને અને ગાંધીનગર ખાતે રહેતી દીકરીને જાણ કરતા તેમણે આઇફોન ટ્રેકિંગ સિસ્ટમથી તપાસ કરી ત્યારે મોબાઇલ ફોનનું લોકેશન ગોધાવી-મનીપુર રોડ પર આવેલા ગરોડીયા ગામનું આવતું હતું. જેથી શુક્રવારે સવારે અલ્પાબેન અને તેમના વેવાઇ તપાસ કરવા માટે ગયા ત્યારે દીપકભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના માથા પર બોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.