અમદાવાદ: શહેરનો પોસ ગણાતો એરીયા બોપલ વિસ્તારમાં રવિવારે રાતના સમયે બુલેટ પર તેના મિત્ર સાથે હોસ્ટેલમાં પરત ફરી રહ્યો હતો. ત્યારે બોપલ રેઈન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે પુરઝડપે આવી રહેલી કાર ચાલકે નજીવી બાબતે બોલાચાલીમાં થઈ હતી. જેની અદાવત રાખીને કારચાલકે એક સાથે બે છરીથી યુવકને ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દેતા તેને સારવાર માટે બોપલમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ ઘટનાના આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા કાર ચાલકનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી આ સ્કેચ વાળી વ્યક્તિ કે તેના જેવા દેખાતી વ્યક્તિ અંગે કોઇ પણ માહીતી મળે તો તાત્કાલિક બોપલ પોલીસ સ્ટેશનનો નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. માહીતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવમાં આવશે.
શું હતો મામલો?
23 વર્ષીય પ્રિયાંશુ જૈન માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રવિવારે રાતના આઠ વાગે પ્રિયાંશુ અને તેની સાથે અભ્યાસ કરતા પૃથ્વીરાજ મહાપાત્રા નામના યુવકને કોલેજમાં ઇન્ટરવ્યૂ હોવાથી તે દિવસે કપડાં સીવડાવવા માટે બોપલમાં સરકારી ટ્યુબવેલ પાસે આવેલા એક ટેલરમાં શુટનું માપ આપવા માટે ગયા હતા. બાદમાં તેઓ ભોજન કરીને રાતના સાડા દસ વાગે પરત હોસ્ટેલ પરત આવી રહ્યા હતા, ત્યારે રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે વળાંક લેતા સમયે પૂરઝડપે એક કાર પસાર થઇ હતી. જેથી પ્રિયાંશુએ તેને અવાજ કરીને વાહન સરખું ચલાવવાનો ઠપકો આપતા કારચાલકે કારને પરત લાવીને પ્રિયાંશુ અને તેના મિત્ર સાથે તકરાર કરી હતી. આ દરમિયાન કારચાલક તેની કારમાંથી બે છરી લઇને આવ્યો હતો અને તેણે બંને હાથમાં છરી રાખીને પ્રિયાંશુના બરડા પર ઘા માર્યા હતો. જેના કારણે પ્રિયાંશુ નીચે પછડાયો હતો. જેથી પૃથ્વીરાજ ઇજાગ્રસ્ત પ્રિયાંશુને એક ખાનગી કારમાં બોપલમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કારચાલકની તપાસ શરૂ કરી છે.
