ભાવનગરઃ ભાવનગરના દિલીપસિંહ ડોડીયા જમ્મુકાશ્મીરના અખનૂર સેક્ટરમાં શહીદ થયાં છે. દિલીપસિંહ વલભીપુરના કાનપર ગામના રહેવાસી હતાં. અત્યારે તેમનો પરિવાર કશ્મીરમાં સ્થાયી છે. ત્યારે દિલીપસિંહ શહીદ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે અખનૂર સેક્ટરમાં જવાન અન્ય જવાનો સાથે પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમની વાન કોઇક કારણોસર પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન જ તેમનું નિધન થયું હતું.
શહીદનો પરિવાર અત્યારે કાશ્મીરમાં જ રહે છે. તેમને ત્રણ બહેનો છે. તેઓ સૌથી નાના ભાઇ હતાં. તેઓ પત્ની અને બે વર્ષની બાળકી સાથે જમ્મુ કાશ્મીરમાં રહેતા હતાં. પરિવારનાં માથા પરથી છત્રછાયા અચાનક જતી રહેતાં પરિવાર દુઃખમાં સરી પડ્યો છે. થોડા સમય પહેલાં અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના ખુશાલસિંહ સિસોદીયા પણ જમ્મુ-કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવવા દરમિયાન બરફ વર્ષા અને ભૂસ્ખલનના કારણે હિમશીલા પડતાં તેની નીચે દટાયાં હતાં.
તેમની સાથે ફરજ બજાવતા જવાનોએ ખુશાલસિંહ સિસોદીયાને બરફના થર નીચેથી બહાર કાઢ્યા હતા. જે બાદ આર્મીની હોસ્પિટલમાં સારવાર અર્થે તેમને ખસેડાતા સઘન સારવાર બાદ જિંદગી સામેનો જંગ તેઓ હારી જતાં મોત નિપજ્યું હતું.