અમદાવાદ: શહેરમાં હવાના પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે મ્યુનિ.એ ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડી છે. દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવાના તેમજ અન્ય કારણોસર કેટલાક વિસ્તારમાં હવામાં પ્રદૂષણનું સ્તર 2 ગણાથી વધીને 5 ગણું થઈ ગયું છે. ખાસ કરીને રખિયાલ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 548.10 અને નવરંગપુરામાં 417 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયા હતો. એટલે કે આ વિસ્તારની હવા સૌથી વધુ પ્રદૂષિત હતી. હવામાં પ્રદૂષણના પ્રમાણનો આંક 200થી વધુ હોય તો લોકોના આરોગ્યને નુકસાન થઈ શકે છે.
શહેરમાં હવાનું પ્રદૂષણ વધતું અટકાવવા માટે કેન્દ્ર સરકારે નાણાંકીય સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં મ્યુનિ. દ્વારા 370 કરોડથી વધારે રકમ શહેરમાં હવાનું પ્રદૂષણ અટકાવવા માટે વાપરી છે. જેને પરિણામે હવામાં પીએમ10 પાર્ટિકલનું પ્રદૂષણ 200 થી વધારે રહેતું હતું તે હવે એવરેજ100 પર આવી ગયું છે. દિવાળીના બે દિવસમાં પ્રદૂષણ અતિશય વધી ગયું હતું. નોંધનીય છે કે, આટલી મોટી માત્રામાં પ્રદૂષણ વધે ત્યારે લોકોને ફેફસાંની તકલીફ થઇ શકે છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે. જે દમ સહિતના ફેફસા અને શ્વસનતંત્રના રોગ ધરાવતાં હોય તેવા દર્દીઓને આ પ્રદૂષણ વધુ નુકસાન કરતું હોય છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં પ્રદૂષણ વધતાં જ મ્યુનિ. દ્વારા ફોગિંગ મશીનો ગોઠવીને તત્કાલ હવામાં રહેલા રજકણોને જમીન પર બેસાડી દેવા માટે કામે લાગી ગઈ છે. જેને કારણે તત્કાલ હવાને થોડી શુદ્ધ કરવામાં સરળતા રહે છે.
આપને જણાવી દઈએ કે, પીરાણા વિસ્તારમાં 154.20 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો છે. જ્યારે નવરંગપુરામાં 417, રખિયાલમાં 548.10, રાયખડમાં 281.90, બોપલમાં 104.30, એરપોર્ટ વિસ્તારમાં 74.70, ચાંદખેડામાં 216.94, મણિનગરમાં 159.81, વટવા વિસ્તારમાં 185.04 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો છે.