અમદાવાદઃ ધોલેરા સ્માર્ટ સિટી ભારતના વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. વડાપ્રધાન મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટનું આયોજન દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરના ભાગરુપે કરવામાં આવ્યું હતું. પરંતુ હજી તેમાં જોઈએ તેવો વેગ આવ્યો નથી અને મૂડી રોકાણમાં પણ પાછળ રહી ગયું છે. મહારાષ્ટ્રનું ઔરંગાબાદ ઈન્ડસ્ટ્રિયલ સિટી-ઓરિક નવા રોકાણોને આકર્ષવામાં આગળ નીકળી ગયું છે.
ધોલેરામાં એક પણ એન્કર કંપનીએ ઉત્પાદન કે કામગીરી શરૂ કરી નથી. તેની સામે ઓરિક સિટીમાં બાવન કંપનીઓએ કુલ ₹4,000 કરોડનું રોકાણ કર્યું છે. સીઆઇઆઇ દ્વારા આયોજિત રોડ શોમાં ઓરિક સિટીના સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર આ સ્માર્ટ ઔદ્યોગિક સિટીમાં 90 ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે. આગામી દસ વર્ષમાં કુલ ₹60,000 કરોડનું રોકાણ ઓરિક સિટીમાં આવશે તેવું આયોજન કરાઈ રહ્યું છે. ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ લિમિટેડના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર ગજાનન પાટિલે અમદાવાદમાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં ઓરિક સિટીનો રોડ-શો યોજાયો હતો. તેમાં લગભગ 115 કંપનીએ રસ દાખવ્યો હતો.
ઓરિક સિટી ગ્રીનફિલ્ડ સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ સિટી છે, જેને દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર – ડીએમઆઇસીના ભાગરૂપે મહારાષ્ટ્રમાં 10,000 એકર ક્ષેત્રફળમાં વિકસાવવામાં આવ્યું છે. માર્ગો, સીઇટીપી-એસટીપી, ફાયર, વોટર લાઇન વગેરે સહિત માળખાગત સુવિધા ઊભી થઈ ગઈ છે. છ કંપનીઓમાં પર્કિન્સ, હીઓસંગ, કોટોલ, એરો ટૂલ્સ, કિર્તીથર્મોપેક અને વારદ એલોય કાસ્ટિંગ છે અને હીઓસંગ 8 મહિનાના રેકોર્ડ સમયમાં ઉત્પાદનમાંથી પસાર થઈ છે.
” મહારાષ્ટ્ર સરકારના અધિકારીએ ગુજરાતના અમદાવાદમાં આયોજિત રોડ-શો દરમિયાન જણાવ્યું હતું, કે ઓરિકના રોકાણકારોમાં સાઉથ કોરિયાનું અગ્રણી ઔદ્યોગિક ગૃહ, દુનિયાનું સૌથી મોટું સ્પેન્ડેક્સ ઉત્પાદક જૂથ હીઓસંગ કોર્પોરેશન અને કેટરપિલર ગ્રૂપ કંપની પર્કિન્સ સામેલ છે. અમેરિકા, યુરોપ, રશિયા, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાની કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ ઓરિકમાં રોકાણ કરવા વિચારણા કરી રહી છે.
ભારતનું સૌથી મોટું ઓટોમોટિવ કોમ્પોનન્ટ ઉત્પાદક એન્ડ્યુરન્સ અને જાપાનની અગ્રણી પ્રિકાસ્ટ કોન્ક્રિટ ઉત્પાદક કંપની ફુજી સિલ્વરટેક તેમાં સામેલ છે. ઓરિકની આસપાસ કેટલીક કંપનીઓ કાર્યરત છે, જેમાં સ્કોડા, સિમેન્સ, બજાજ, જોહ્નસન એન્ડ જોહ્નસન, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ, પર્કિન્સ, લાઇભેર, લુપિન, એન્ડ્રેસ + હાઉસર અને વોકાર્ડ સામેલ છે.
ઓરિક ભારતનું પ્રથમ ‘વોક-ટૂ-વર્ક’ સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ સિટી છે. ‘વોક ટૂ વર્ક’ની વિભાવના હાઉસિંગ વિકલ્પો, વર્કપ્લેસ અને શોપિંગ સેન્ટર્સને પ્રેરિત કરે છે, જેને એકબીજાની આસપાસ વિકસાવવામાં આવશે અને એનો અમલ થશે. ઓરિક સિટીની કનેક્ટિવિટી અંગે જણાવાયું હતું કે, ભારતમાં મુખ્ય શહેરોને નવાં શહેરો સાથે જોડતાં રેલ અને હાઈવે નેટવર્ક ઉપરાંત ઓરિક ઔરંગાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ફક્ત 15 મિનિટ દૂર છે.
આ સાથે જ મુંબઈ, દિલ્હી અને ભારતમાં અન્ય મેટ્રો શહેરો સાથે જોડતી ફ્લાઇટનું સીધું જોડાણ પ્રદાન કરશે. જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ્સનું ડ્રાય પોર્ટ અને જલ્નામાં કન્ટેઇનર ટર્મિનલ ફક્ત 40 કિલોમીટરના અંતરે છે. આ ઓરિકમાં ઉદ્યોગોને ભારતનાં સૌથી મોટા સી પોર્ટ જેએનપીટીની સરળતાથી જોડાઈ શકે તેમ છે.