સૂરતમાં જીએસટી બિલ કૌભાંડનો પર્દાફાશ, કરોડોની ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ….

અમદાવાદ- ડાયરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલીજન્સ (ડી.જી.જી.આઈ.)ના સૂરત ઝોનલ યુનિટ દ્વારા જીએસટીના સમયગાળામાં બોગસ બિલથી ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઉભી કરવાનું વધુ એક રેકેટ ઝડપી પાડ્યું છે. આ સંબંધમાં વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા, જેનાં થકી પ્રાથમિક દ્રષ્ટિએ અંદાજે રૂપિયા 42 કરોડથી વધુનાં બિલ બનાવીને રૂપિયા 7.7 કરોડ જેટલી ખોટી  ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઉભી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

આ રેકેટનાં સૂત્રધારો પૈકીનાં એક અસલમ સોદાગર શેખે એમની ફર્મમાં 19 જેટલી ફર્મ પાસેથી ખરીદી દર્શાવી છે, જે પૈકીની 16 જેટલી ફર્મ ક્યાંય અસ્તિત્વ ધરાવતી ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમણે તપાસ દરમિયાન એ સ્વીકાર્યું છે કે તેઓ બોગસ બિલના આધારે ક્રેડિટ મેળવતાં હતાં તેમજ આ બોગસ ફર્મ પૈકી કોઈપણ ફર્મનાં પ્રોપરાઈટરને મળ્યાં નથી કે જાણતાં પણ નથી. તેઓ એ અંદાજે રૂપિયા 7.7 કરોડની  ઈનપુટ ટેક્સ ક્રેડિટ આ બોગસ ફર્મ પાસેથી મેળવી છે.

આ સમગ્ર રેકેટમાં ઘણાં લોકો અને ફર્મ સંડોવાયેલા હોવાનું ધ્યાન પર આવ્યું છે જે અંગે તપાસ ચાલુ છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ બધી બોગસ ફર્મ દ્વારા માલનાં સપ્લાય વગર અંદાજિત રૂપિયા 100 કરોડથી પણ વધુની  ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઉભી કરવામાં આવી છે. અત્યાર સુધી તપાસ દરમિયાન કુલ 54 જેટલી બોગસ ફર્મ શોધી કાઢવામાં આવી છે જેની જીએસટીની નોંધણી રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉપરાંતમાં 33 જેટલા બેન્ક ખાતાને કાયદાકીય રીતે અટેચ કરવામાં આવ્યા છે.

આ સંદર્ભમાં અસલમભાઈ શેખની ધરપકડ કરવામાં આવી છે અને માનનીય ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં, જ્યાં અસલમભાઈ શેખને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. સમગ્ર કેસની તપાસ ચાલુ છે.