નવસારી શહેરના જાણીતા વ્યાપારી અને રાજકારણી પ્રેમચંદ લાલવાણી પરિવાર દ્વારા કછોલ ગામે અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
યજ્ઞના બીજા દિવસે મોરારિબાપુએ યજ્ઞ સ્થળે હાજરી આપી હતી. યજ્ઞના દર્શન કર્યા બાદ આહુતિ પણ આપી હતી. બાદમાં પ્રવચનમાં યજ્ઞનો મહિમા ગાયો હતો.
મહાયજ્ઞની શરૂઆત કરતા પહેલા સમગ્ર પરિસરને ગીર ગાયના છાણ અને મૂત્રથી પવિત્ર કરવામાં આવ્યું છે. આ પરિસરમાં એક મહિનો ગીર ગાયોને ચરવા માટે છોડવામાં આવી હતી, જેથી આ જગ્યા પવિત્ર થાય, જે ફળને કાંટાના હોય તેવા ફળના ઝાડનો ઉપયોગ અહીં તેમની માફી માંગીને કરવામાં આવ્યો છે, જ્યાં યજ્ઞ કરવામાં આવી રહ્યો છે તે પરીસરને સંપૂર્ણ રીતે પવિત્ર કર્યા બાદ ગુરુવારથી યજ્ઞની શરૂઆત થઈ છે.
આ યજ્ઞ ધાર્મિક રીતે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આ યજ્ઞમાં સ્વયમ શિવજી હાજરી આપે છે તેવી લોકવાયકા છે. પવિત્ર વાતાવરણની વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર સાથે દેશના 300 થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે. મહાયજ્ઞમા લંડન અને નેપાળથી પણ એક એક બ્રાહ્મણ આવ્યા છે. આ યજ્ઞમાં હજારો કિલો તથા અંદાજે બે ટન ઓર્ગેનિક કાળા તલનો ઉપયોગ કરવામાં આવશે.
વિપ્રવર્યના કહેવા પ્રમાણે આ યજ્ઞમાં સાક્ષાત શિવજી હાજર રહે છે. આ પૂજન 4 વૈદોમાં ચાલે છે. ભારત વર્ષના 4 વેદોના પંડિતો અહી ઉપસ્થિતિ છે, શિવજીએ અહીં યજમાન પરિવારને નિમિત બનાવ્યા છે. 27 નદીઓના જળ એકત્ર કરીને 108 જલધારા દ્વારા શિવજીના લિંગ ઉપર અભિષેક કરવામાં આવી રહ્યો છે આ યજ્ઞ પાંચ દિવસ ચાલશે.
આ યજ્ઞમાં યજમાન તરીકે પ્રેમચંદ લાલવાણી પરિવારના સભ્યો મુખ્ય યજમાન રૂપે યજ્ઞમાં આહુતિ આપશે ત્યારબાદ બીજા પંડાલમાં શહેરના તમામ લોકો કે જેમણે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તેવા લોકોને યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ આપવામાં આવશે.
આ યજ્ઞમાં બેસતા પહેલા શરીરને પવિત્ર કરવું પડે છે અને ત્યારબાદ ધોતી અને પારંપરિક વેશભૂષા સાથે જ યજ્ઞમાં બેસવામાં દેવામાં આવે છે. મોરારીબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરીને કહ્યું હતું કે આ લૌકિક નહીં પણ અલૌકિક યજ્ઞ છે.
(અરવિંદ ગોંડલિયા, નવસારી)