અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં હાલ ભાજપ દ્વારા હાલ સદસ્યતા ઝૂંબેશ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝૂંબેશ હેઠળ ભાજપના સભ્ય બનવા માગતાં વ્યક્તિ માટે એક ટૉલ ફ્રી નંબર રાખવામાં આવ્યો છે. આ નંબર ડાયલ કરીને તેમાં જરૂરી વિગતો ભરીને તમે ભાજપના સભ્ય બની શકો છો. પરંતુ ભાજપની આ ઝૂંબેશને લાંછન લગાડવા માટે અમુક શખ્સો દ્વારા ગુનાઇત રેકોર્ડ ધરાવતા આસારામથી લઈ રામ રહીમના આઈકાર્ડ બનાવી વાયરલ કરવામાં આવી રહ્યા છે.
આ મામલે અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી કમલેશ પટેલે ગુલામ શેખ નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને લઈ સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી છે. આ અંગે કમલેશ પટેલે આરોપ લગાવ્યા છે કે BJPના સદસ્યતા ઝૂંબેશને નુકસાન પહોંચાડવા માટે કોઇએ પોતાની કાળી કરતૂતો કરી છે.
હાલ જેલમાં બંધ રામરહિમ, પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન અને આસારામના ડુપ્લિકેટ ઈ કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આમ ભાજપ ગુનાઈત લોકોને છાવરે તેવી પાર્ટી સાબિત કરવા માટે આ કાર્ય કરવામાં આવ્યું હોય તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
કમલેશ પટેલની ફરિયાદ મુજબ, કોઈપણ વ્યક્તિને સભ્ય તરીકે જોડાવુ હોય તો પાર્ટી દ્વારા એક મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જો કોઈપણ વ્યક્તિને સભ્ય તરીકે જોડાવુ હોય તો આ નંબર પર કોલ કરવાનો હોય છે. આ કોલ બાદ કોલ કરનાર વ્યક્તિના મોબાઈલ નંબર ઉપર એક મેસેજ આવે છે. જેમાં જે તે વ્યક્તિને સભ્ય તરીકે જોડાવા બાબતે એક લિંક મોકલવામાં આવે છે.
ત્યારબાદ સભ્ય બનવા માગતા વ્યક્તિ પોતાના મોબાઈલ દ્વારા આ લિંક ઓપન કરે અને તેમાં નામ,સરનામુ, મોબાઈલ નંબર વગેરે માહિતી ભરે ત્યાર બાદ સિસ્ટમ દ્વારા એક વન ટાઈમ પાસવર્ડ જનરેટ થાય છે. તે ઓટીપી જે તે વ્યક્તિના મોબાઈલ નંબર પર આવે છે અને તે ઓટીપી આવેલી લિંકમાં સબમિટ કરી જે તે વ્યક્તિ પોતાનો ફોટો અપલોડ કરે ત્યારે પ્રાથમિક સદસ્યતાનું એક ઈ કાર્ડ જનરેટ થાય છે. જેમાં જે તે વ્યક્તિના ડાબા હાથે ફોટો, મધ્યમાં ભાજપ તથા પાર્ટી મુખ્યાલયનું સરનામુ, પાર્ટીનો લોગો તથા તેની બાજુમાં વ્યક્તિનું નામ, રાજ્ય અને પ્રાથમિક સદસ્યતા નંબરના અંતિમ ચાર આંકવાળુ પ્રાથમિક કાર્ડ ઈસ્યૂ થાય છે.