અક્ષરધામ આતંકી હુમલાના આરોપી યાસીને કર્યાં ચોંકાવનાર ઘટસ્ફોટ, રીમાન્ડ…

અમદાવાદ- અક્ષરધામ હુમલાનો મુખ્ય આરોપી યાસીન બટ્ટની ધરપકડ ધરપકડ કરાયા બાદ તેને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ કરાયાં અગાઉ આતંકી યાસીન બટ્ટે ATS સમક્ષ ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે. હુમલા માટે અનંતનાગથી બરેલી સુધી ગાડીમાં હથિયાર લાવ્યાં હતાં. હથિયાર લાવવા ગાડીમાં ચોરખાનાં પણ બનાવ્યાં હતાં. ગાડીમાં લાવેલા તમામ હથિયારનો હુમલામાં ઉપયોગ કર્યો હતો.

એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો દ્વારા આતંકી યાસીન બટ્ટને કોર્ટમાં રજૂ કરાયો હતો અને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. એટીએસ પાસેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે યાસીનની કસ્ટડી લીધી હતી.

 

આરોપીનો વકીલ કોર્ટમાં હાજર ન હતો, કોર્ટે આરોપીને પૂછ્યું હતું કે, તમારો વકીલ ક્યાં છે જવાબમાં આરોપીએ કહ્યું કે, કાલે આવશે વકીલ અમદાવાદનો જ છે. કોર્ટે આરોપીને પુછ્યુ કે પોલીસ સામે કોઈ ફરિયાદ છે જવાબમાં આરોપીએ ના પાડી હતી. ફેમિલીની જોડે મુલાકાત થઈ હોવાનું આરોપીએ કોર્ટમાં કહ્યું હતું.

તો સામા પક્ષે કોર્ટમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપીએ એકે 47 તેમજ હેન્ડ ગ્રેનેડ સહિતના ઘાતક હથિયારો ગાડીમાં છુપાવીને રાખ્યા હતાં. આટલા સમયથી આરોપી નાસતો ફરતો હતો, અને ક્યાં ક્યાં રોકાયો તેની તપાસ કરવાની બાકી છે. કુલ પાંચ થી છ કારણો એવા છે જે ખૂબ જ અગત્યના છે અને તેની તપાસ કરવાની બાકી છે. વકીલે વધુમાં કહ્યું કે, આરોપીના સંપર્કમાં રહેલ બીજા આરોપીઓની પણ માહિતી મેળવવાની જરૂર છે. સરકારી વકીલે યાસીન બટ્ટાના 14 દિવસના રીમાન્ડની માંગણી કરી છે. કોર્ટે 3 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે.