અમદાવાદઃ શહેરમાં જાપાન ફાઉન્ડેશનના ‘બિલ્ટ એન્વાયર્મેન્ટઃએનઓલ્ટર્નેટિવ ગાઈડ ટુ જાપાન’ વિષયે ટ્રાવેલીંગ પ્રદર્શન યોજાયું છે.આ પ્રદર્શન એ દર્શાવે છે કે જાપાનના લોકોએ કઈ રીતે કુદરતી પર્યાવરણ જાળવવાના પ્રયાસ કર્યા છે અને કુદરતી વાતાવરણનો વિનાશ સર્જ્યા વગર તેમાં સફળતા હાંસલ કરી છે તે દર્શાવાયું છે.
આ પ્રદર્શનનું ઉદ્દઘાટન આજે કોન્સ્યુલેટ ઓફ જાપાન ખાતેના સંસ્કૃતિ અને માહિતી વિભાગના કોન્સેલ અને સમારંભના મુખ્ય મહેમાન યુકીઓ ઉચીડાઅને અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. પ્રમથ રાજ સિંહાએ કર્યું હતું. આ પ્રદર્શન તા.24 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. આ પ્રદર્શનમાં 80 જેટલા નમૂનારૂપ જાપાનના બિલ્ડીંગ્ઝ, સિવિલ એન્જીનિયરીંગ વર્કસ અને લેન્ડસ્કેપ્સ પ્રદર્શિત કરાયા છે. વિચારપ્રેરક માહિતી, અદ્દભૂત તસવીરો અને મંત્રમુગ્ધ કરે તેવા વિડિયોઝ મારફતે પર્યાવરણના નિર્માણનું અનોખું પાસું રજૂ કરાયું છે.
જાપાન ફાઉન્ડેશન જાપાનની કલા અને સંસ્કૃતિ વિશ્વ સમક્ષ દર્શાવવા માટે ‘ટ્રાવેલીંગ એક્ઝીબિશન પ્રોગ્રામ’ હાથ ધરે છે. ‘બિલ્ટ એન્વાયર્મેન્ટઃ એન ઓલ્ટર્નેટીવ ગાઈડ ટુ જાપાન’ જે આવું જ એક પ્રદર્શન છે અને જાપાન દ્વારા તેના ભિન્નતા ધરાવતા અને વારંવાર કુદરતી આફતોનો ભોગ બનતા વિવિધ ભૌગોલિક પ્રદેશોમાં પર્યાવરણની જાળવણી માટેનાં ઉપાયો દર્શાવાયા છે. એમાં એ પણ દર્શાવાયું છે કે જાપાનના લોકો એક ચોક્કસ જીવન શૈલીને અનુસરીને તેમજ સંઘર્ષ કરીને કુદરતી વાતાવરણ અને પર્યાવરણને જાળવી રાખે છે. જાપાનની ભિન્ન પ્રકારની પ્રકૃતિ દર્શાવવા માટે જાપાનના વિવિધ શહેરોના 47 પ્રદેશોમાંથી ઓછામાં ઓછુ એક સ્થળ પસંદ કરાયું છે. આ પ્રદર્શન સાચા અર્થમાં જાપાન માટેનું વૈકલ્પિક ગાઈડ બની શકે તેમ છે.
જાપાન એ 19મી સદીના અંતમાં આધુનિકીકરણ શરૂ કરનાર પ્રથમ એશિયન દેશ હતો. જેને પરિણામે ત્યાં ઝડપી વિકાસ હાંસલ થયો અને જાપાન વિશ્વના આધુનિક દેશોમાં સ્થાન પામ્યું છે.
આ પ્રસંગે વાત કરતાં અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.પ્રમથરાજ સિંહા જણાવે છે કે ”વૈશ્વિક પડકારો માટે સજ્જ રહેવા ક્રાંતિકારી કહી શકાય તેવા ઉપાયો હાથ ધરવાની જરૂર છે. પૃથ્વી હાલમાં જે મોટાભાગના પડકારોનો સામનો કરી રહી છે તેના નિવારણ માટે પર્યાવરણલક્ષી ઉપાયો હાથ ધરીને જાપાને વિશ્વને અનુસરવા લાયક ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. તેમણે પર્યાવરણલક્ષી જીવન અપનાવ્યું છે. અનંત યુનિવર્સિટી ખાતે અમે આ અનોખું પ્રદર્શન રજૂ કરતાં આનંદ અનુભવીએ છીએ.”
જાપાનમાં પ્રદૂષણ અને અન્ય જે કટોકટી પેદા થઈ, તેમાંથી જાપાન તમામ અવરોધોને પાર કરી ચૂક્યું છે અને પર્યાવરણલક્ષી વાતાવરણ ઉભુ કરવા માટે સતત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.