કચ્છ- કચ્છ ભાજપમાં ચકચારી બનેલાં જયંતી ભાનુશાળી હત્યાકેસમાં આરોપી છબીલ પટેલની વધુ એક હરકત પોલિસ ચોપડે ચડે તેવા ખબર સામે આવ્યાં છે. જયંતી ભાનુશાળી હત્યા કેસમાં જેની સંડોવણી બહાર આવી છે તે છબીલ પટેલ પરદેશ બેઠાં બેઠાં આ કેસને રફેદફે કરવાના પ્રયત્નોમાં લાગેલાં હોવાની પોલિસને શંકા છે.પોલિસ દ્વારા આ કેસમાં તપાસ ટીમ દ્વારા બે ભાડૂતી શૂટરો સહિત પાંચ આરોપીની ધરપકડ કરી લીધેલી છે. ત્યારે છબીલ પટેલે સાક્ષીઓને ધમકાવવા-સમજાવવાનો પ્રયત્ન કર્યો હોવાના ખબર આવી રહ્યાં છે. જે મુજબ છબીલ પટેલે છબીલ પટેલના કોચમાં ઘટના સમયે પ્રવાસ કરી રહેલા પવન મૌર્યના ઘેર પોતાના માણસોને એક પત્રકાર મારફતે મોકલ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે જલદી જ છબીલ પટેલના નજીકના સ્વજનોની પોલીસ ધરપકડ કરે જ્યારે પત્રકારને સાક્ષી તરીકે કેસમાં જોડી દેવામાં આવે તેમ છે. પોલીસને જાણકારી મળી હતી કે વિદેશમાં બેઠેલા છબીલ પટેલ ગુજરાત અને ભારતમાં અનેક લોકો સાથે સંપર્ક કરી પોલિસની તપાસની જાણકારી લઈ રહ્યાં છે. દરમિયાન પોલીસના ધ્યાનમાં આવ્યું કે છબીલ પટેલે ફોન કરી કથિતપણે કચ્છના પત્રકાર મીઠુ ચૌહાણને જણાવ્યું હતું કે તે પવન મૌર્યના ઘેર તેમના ભત્રીજા પીયૂષ પટેલ અને વેવાઈ રસિક પટેલને લઈ જાય. તે પ્રમાણે પત્રકાર ચૌહાણ તે બંનેેને લઈ સાક્ષી પવન મૌર્યના ઘરે ગયો હતો.
પોલિસ તપાસમાં પત્રકાર ચૌહાણે જણાવ્યું હતું કે છબીલ પટેલે ફોન દ્વારા સૂચના આપી હતી કે પીયૂષ અને રસિક પટેલને લઈ તારે પવન મૌર્યના ઘરે જવાનું છે. જોકે કયા કારણે છબીલ પટેલના સ્વજનો મૌર્યને મળવા માગતાં હતાં તે વિશે પોતે કશું જાણતો નથી.
જ્યારે પીયૂષ અને રસિક પટેલે પોલીસને જણાવ્યું કે છબીલ પટેલની સૂચનાને કારણે તેઓ સાક્ષી મૌર્યના ઘેર ગયા હતા અને મૌર્યની આર્થિક સ્થિતિ કેવી છે, તેનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આને લઈને પોલિસને શંકા છે કે તેઓ સાક્ષીને ધમકાવવા અથવા લલચાવવા ગયાં હતા. મૌર્ય મેજિસ્ટ્રેટ સામે નિવેદન આપશે તેવો ડરમાં તેમણે આ પગલુ ભર્યુ હોય તેવું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.