નવી દિલ્હીઃ એશિયાની સૌથી મોટી મિલ્ક બ્રાન્ડ “અમૂલ” આગામી આઈસીસી વર્લ્ડ કપ માટે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની સત્તાવાર પ્રયોજક બની છે જેના યજમાન ઈંગ્લેન્ડ અને વેલ્સ છે. રૂા.૪૫૦૦૦ કરોડ (યુએસ ડોલર 6.5 અબજ) નું ટર્નઓવર ધરાવતી અમૂલનો લોગો, તા.૩૦ મે થી ૧૪ જુલાઇ ૨૦૧૯ દરમ્યાન ચાલનારા વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમની પ્લેઈંગ જર્સીની બાંય ઉપર તથા ટ્રેઈનિંગ કીટસ ઉપર પણ જોવા મળશે.
જીસીએમએમએફના(અમૂલ)મેનેજીંગ ડિરેક્ટર ડો. આર. એસ. સોઢીએ જણાવ્યું કે“ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપથી વિકાસ પામતી અફઘાનિસ્તાનની ટીમ સાથે અમૂલ સૌ પ્રથમવાર જોડાયેલ છે તે બદલ અમે ખૂબ જ ઉત્સાહિત છીએ અને આશા વ્યકત કરીએ છીએ કે આ ટીમ વર્લ્ડ કપમાં અદ્દભૂત દેખાવ કરશે.”“અમૂલ અને અફઘાનિસ્તાન જૂના સંબંધો ધરાવે છે.સરહદના ગાંધી તરીકે જાણીતા અબ્દુલ ગફારખાને ૧૯૬૯માં અમૂલની મુલાકાત લીધી હતી અને તેઓ ડો. વી. કુરિયનને મળ્યાં હતાં તેમજ સહકારી સંસ્થા અમૂલની વિવિધ પ્રવૃત્તિઓ અંગેનો અભ્યાસ કર્યો હતો.” તદઉપરાંત, અફઘાનિસ્તાનના ઘણાં મહિલા દૂધ ઉત્પાદકોનાપ્રતિનિધિઓએ અમૂલની મુલાકાત લીધી હતી.
અમૂલ, ગ્રામ ઉત્કર્ષ અને મહિલા સશક્તિકરણનું મજબૂત મોડેલ છે જેની અફઘાનિસ્તાનના લોકોને નોંધ લીઘેલ છે. અમૂલ તેના દૂધના પાવડર અને બેબી ફૂડની અફઘાનિસ્તાનમાં છેલ્લાં બે દાયકાથી નિકાસ પણ કરે છે.”અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ શ્રી અસદુલ્લા ખાને જણાવેલ કે “અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ માટે આ ઘણી મોટી ક્ષણ છે અને અમને ઘણો આનંદ થાય છે કે અમૂલ અમને વિશ્વ કપ માટે સ્પોન્સર કરશે. અમે સૌ પ્રથમ વખત વર્લ્ડ કપમાં સંપૂર્ણ સભ્ય તરીકે રમી રહ્યા છીએ અને તૈયારી ઘણી સારી છે અને અમે સારો દેખાવ કરવાની આશા રાખીએ છીએ.”
આ વન- ડે ટુર્નામેન્ટ માટે અફઘાનિસ્તાનની ટીમે સારી તૈયારી કરેલ છે અને આઈપીએલમાં સારો દેખાવ કરેલ ઘણાં મહત્વનાં ખેલાડીઓ સાથે ટીમ ઇગ્લેન્ડ જઇ રહેલ છે.અફઘાનિસ્તાનની ટીમની વર્લ્ડ કપની મેચો ટાઇમ ટેબલ પ્રમાણે તા.૧ જૂને ઓસ્ટ્રેલિયા સામે, ૪ જૂને શ્રીલંકા સામે, ૮ જૂને ન્યૂઝીલેન્ડ સામે, ૧૫ જૂને સાઉથ અફ્રિકા સામે, ૧૮ જૂને ઇગ્લેન્ડ સામે, ૨૨ જૂને ઇન્ડિયા સામે, ૨૪ જૂને બંગ્લાદેશ સામે, ૨૯ જૂને પાકિસ્તાન સામે અને ૪ જૂલાઇ વેસ્ટઇન્ડીઝ સામે રમાનાર છે. ટોચની ચાર ટીમો સેમી ફાઇનલમાં જશે. તમામ મેચોનું ભારતમાં અને વિશ્વના તમામ દેશોમાં લાઈવ પ્રસારણ થશે.