અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી ગાંધીનગરથી લડવાના છે. ત્યારે આજે તેઓ ગાંધીનગર ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે.આ પહેલાં અમદાવાદમાં અમિત શાહનો 4 કિલોમીટર જેટલો લાંબો રોડ શો યોજાયો હતો. અમિત શાહની સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, રાજનાથ સિંહ, રામવિલાસ પાસવાન સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ જોડાયા હતાં.
અમિત શાહે અમદાવાદમાં એક જનસભાને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં અમિત શાહે કહ્યું કે, આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રથી હું ભાજપના પ્રતિનિધિ રૂપે નામાંકન કરવા જઈ રહ્યો છું. જ્યારે હું આ ચોક પર ઉભો રહીને બોલુ છું, તો મને 1982માં મારા બૂથના અધ્યક્ષની કામગીરીના દિવસો યાદ આવી ગયા. બૂથ પર કામ કરતા આજે વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હું પહોંચી ગયું છું. મારા જીવનમાંથી ભાજપ કાઢી દો તો માત્ર શૂન્ય બચે છે. જે પણ મેં પ્રાપ્ત કર્યું, જે પણ શીખ્યું. જે પણ આપવાનો પ્રયાસ કર્યો. આ વિસ્તારથી હું પાંચવાર ધારાસભ્ય રહ્યો.
અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આજે આ દેશનું નેતૃત્વ કોણ કરશે તેવુ પૂછો તો આખા દેશમાંથી મોદીનો જ જવાબ આવે છે. જેઓ ગામની ચૂંટણી પણ લડ્યા ન હતા, તે દેશનું નેતૃત્વ કરે છે. દેશના લાડલા બન્યા છે. દેશની જનતા આવા જ નેતૃત્વની રાહ જોઈ રહી હતી. આજે દેશને સુરક્ષા એક જ વ્યક્તિ અને એક જ પાર્ટી આપી શકે છે. ભાજપ અને એનડીએની સરકાર આપી શકે છે. હું તમને અપીલ કરું છું કે, મોદીજી દેશના વડાપ્રધાન નિશ્ચિત બનવાના છે, પણ હું ગુજરાતની જનતાને અપીલ કરવા માગુ છું કે, 26 સીટ તેમની ઝોળીમાં નાખો. અડવાણીજીની વિરાસતને હું વિનમ્રતાથી અને પ્રયાસોથી આગળ વધારવા માંગીશ.