ગાંધીનગર- ચૂંટણીના માહોલમાં કોંગ્રેસને ચાનક ચડી હતી કે સવર્ણોને 10 નહીં, 20 ટકા અનામત આપવામાં આવે. વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં સવર્ણોને 20 ટકા અનામત મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખાનગી બિલ રજૂ કર્યું હતું. ખાનગી બિલમાં સવર્ણોને 10 ટકા અનામતને બદલે 20 ટકા અનામતની માગ કરવામાં આવી છે.
અમિત ચાવડાએ ગૃહમાં જણાવ્યું કે, જે સમાજે સત્તા અપાવી તેમને સરકારે શુ આપ્યું? સરકારે ખોટા કેસ કર્યા, પાટીદાર યુવાનોને શાહિદ કર્યા. સરકારે 10 ટકા અનામત આપી પણ અમારી સ્પષ્ટ માગણી છે કે 20 ટકા અનામત આપવી જોઈએ. SC,ST અને OBC રોસ્ટરમાં ફેરફાર કરવાથી નારાજગી પ્રવર્તી છે.
કોંગ્રેસના ધારસભ્ય વીરજી ઠુમરે આ બિલને ટેકો આપ્યો હતો અને કહ્યું કે, પાટીદાર સમાજના આંદોલનમાં GMDC ગ્રાઉન્ડમાં 33 લાખ યુવાનો એકઠા થયા હતાં. ત્યારે સરકારે યુવાનો ઉપર ગોળીબાર અને લાઠીચાર્જ શા માટે કર્યો? યુવાનો પર રાજદ્રોહના ગુના કેમ દાખલ કર્યા?
વધુમાં તેમણે કહ્યું કે, સરકારી સ્કૂલો ખાડે ગઈ છે એટલે ખાનગી સ્કૂલોમાં લાખો રૂપિયા ડોનેશન આપીને પ્રવેશ લેવો પડે છે. કોંગ્રેસ સરકાર 20 ટકા બિલ લાવી ત્યારે ભાજપ સરકાર એમ કહેતી હતી કે બંધારણમાં સુધારા કરવા પડે, તો પછી હવે ભાજપની કેન્દ્ર સરકારે 10 ટકા અનામત આપી ત્યારે સુધારા કરવાની જરૂર ન પડી. વિજય રૂપાણી અને નીતિન પટેલ 20 ટકા અનામત બિલ લઈને આવે અમે સર્વાનુમતે ચર્ચા કરવા તૈયાર છીએ. 2019ની ચૂંટણીમાં તમને પણ ફાયદો થશે. આરોગ્ય પ્રધાન બોલી શકે તેમ નથી કેમ કે સ્વાઈન ફ્લુમાં લોકો મરી રહ્યાં છે.
તો બીજી તરફ વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે કહ્યું કે, અમિત ચાવડા આ બિલ સમાજના હિત માટે લાવ્યાં કે કોંગ્રેસના હિત માટે નહીં. નવનિર્માણના આંદોલનમાં લોકોને મારીને તોડવામાં આવ્યાં હતાં બંધારણમાં ફેરફાર કર્યા વિના આ બિલ પાસ ના થઇ શકે.
જોકે, ગૃહમાં ઈસીબીને 10 ટકાથી વધારીને 20 ટકા સુધી કરવાની માગ સાથેના અમિત ચાવડાના ખાનગી બિલના પ્રસ્તાવને નામંજૂર કરવામાં આવ્યું હતું.