કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં રોગચાળાએ માથું ઉચક્યું

અમદાવાદ: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. માર્ચ મહિનો પૂર્વ થવાના આરે છે અને મુખ્ય જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ નોંધાય રહ્યો છે. આ વચ્ચે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ગરમીની અસર રોગાચાળા પર દેખાઈ છે જેમાં ઝાડા-ઉલટીના સૌથી વધારે કેસો નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 13,037 ઓપીડી નોંધાઇ છે જેમાં 1188 દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી છે. જેમાં ડેન્ગ્યુના 2 પોઝિટીવ દર્દીઓને દાખલ કરાયા છે. તો બીજી તરફ ગરમીના લીધે ઝાડા ઉલટીના 40 દર્દીઓ નોંધાયા છે.

સ્વાઇન ફલૂના શંકાસ્પદ 100 દર્દીઓના રિપોર્ટ કરાયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 250 મેલેરિયાના દર્દીએ સારવાર લીધી છે. હાલમાં ઉનાળો શરૂ થતાં તાપમાનમાં વધારો થયો છે. જ્યારે બીજી બાજું રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 145 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 29 તો કોમર્શિયલમાં 17 જેટલા આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ મચ્છરની ઉત્પત્તિ બદલ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવી રહ્યો છે. જોકે ડેંગ્યુનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. છતાં મનપા દ્વારા જે સ્થળેથી ડેંગ્યુનાં કેસો સામે આવ્યા હતા.

તો આ બાજું સુરતમાં ગરમીના તાપમાનમાં વધારો થવા સાથે રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં બે દિવસ પહેલા 3 વર્ષના બાળક સહીત 3 લોકોના રોગચાળાથી મોત નિપજયા. શહેરમાં અઠવા અને ભેસ્તાન વિસ્તારમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો. અઠવા અને ભેસ્તાનમાં બે વૃદ્ધઓ રોગચાળામાં જીવ ગુમાવ્યો. જયારે ડિંડોલીમાં નવા ગામનું બાળક ઝાડા ઉલ્ટીમાં સપડાયું હતું. ઝાડા ઉલટીના કારણે બાળકની સ્થિતિ વધુ ગંભીર થતા માતાપિતા તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ હોસ્પિટલમાં બાળકને યોગ્ય સારવાર મળે તે પહેલા જ તબિયત લથડતા મોત નીપજ્યું. શહેરમાં વધતા રોગચાળાના કારણે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી.  દર્દીઓના મોત નિપજવાના અને ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધતા આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે.